જામનગર: મધમાખી પાલન ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો શ્રેષ્ઠ વ્યવસાય
બાગાયતી પાકોમાં મધમાખી દ્વારા થતા પરાગનયન વડે ૨૦ થી ૩૦ ટકા સુધીનો ઉત્પાદન વધારો મેળવી શકાય છે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં બાગાયત ખાતા દ્વારા ૧૦૦થી વધુ ખેડૂતોને અપાયું જીવંત નિદર્શન
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે બાગાયત ખાતા દ્વારા 'મિશન મધમાખી યોજના' અંતર્ગત “મધમાખી પાલન એક સફળ વ્યવસાય” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ૧૦૦થી વધુ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં બાગાયત અધિકારી વાય. એ. ડેરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, બાગાયત ખાતાના અધિકારીઓ અને સર્વે ઉપસ્થિત ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલન માટે આપવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, મધમાખી પાલન એ ફક્ત મધ ઉત્પાદન પૂરતું સીમિત નથી. ધાણા, જીરું, વરિયાળી, લીંબુ, જામફળ, દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોમાં મધમાખી દ્વારા થતા પરાગનયનથી ઉત્પાદનમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો નોંધપાત્ર વધારો મેળવી શકાય છે. આ પ્રવૃત્તિ ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનું એક ઉત્તમ સાધન છે.ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ ડો. કે.પી.બારૈયાએ ખેડૂતોને મધમાખી પાલનના વૈજ્ઞાનિક પાસાઓ વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. તેમણે મધમાખીની મુખ્ય જાતો, વસાહતની રચના, રાણી માખી, નર માખી અને કામદાર માખીની ભૂમિકા વિશે સમજાવ્યું હતું. આ ઉપરાંત મધમાખીની પેટીની રચના અને ગોઠવણ, ઋતુ પ્રમાણે માવજત, ખોરાક વ્યવસ્થાપન, રોગ સામે રક્ષણ, મધ કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ તેમજ મીણ, રોયલ જેલી અને પરાગ જેવી આડપેદાશોના આર્થિક મહત્વ વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક મધમાખી પાલન કરતા પ્રગતિશીલ ખેડૂત મેહુલભાઈ ભીમાણીએ પોતાના વ્યવહારુ અનુભવો રજૂ કર્યા હતા. તેમણે પોતાની સાથે લાવેલી મધમાખીની જીવંત પેટી સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન આપ્યું હતું. જેમાં મધપૂડાની રચના, મધથી ભરેલી ફ્રેમ, ઈંડા અને લાર્વાવાળી ફ્રેમ, રાણી માખીની ઓળખ, મધ કાઢવાના યંત્રની કામગીરી અને માખી કરડે ત્યારે રાખવાની સાવચેતીઓ અંગે પ્રેક્ટિકલ સમજ આપી હતી.
આ નિદર્શનથી ઉપસ્થિત ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક ખેડૂતોએ મધમાખી પાલન શરૂ કરવા માટે ઉત્સુકતા દાખવી હતી.