BREAKING NEWS

રાહતના વાવડ: હાલાર પરથી ખસી રહ્યા છે ખતરાના વાદળો: સિસ્ટમ નબળી પડી

  • October 31, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાહતના વાવડ: હાલાર પરથી ખસી રહ્યા છે ખતરાના વાદળો: સિસ્ટમ નબળી પડી

હવામાનના ઓચીંતા બદલાવને કારણે છેલ્લા એક સપ્તાહથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેર-ઠેર માવઠુ પડવાના કારણે ઉભા મોલ તારાજ થઇ ગયા છે, ખેડુતોને ભયંકર નુકશાન પહોંચ્યું છે, પરંતુ હવે રાહતના વાવડ આવ્યા છે, કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન ખુબ નબળું પડી ગયુું છે જે તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી હતી તેમાં હવે ફેરફાર થતો દેખાય છે અને હાલાર પરથી સંકટના આ વાદળો ખસી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં સુર્યનારાયણના દર્શન થશે અને ઉઘાડ નિકળવાના શુભ સંકેત સાંપડયા છે. 

સૌ પ્રથમ બંગાળની ખાડીમાં સર્જાયેલ મોન્થા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો, આ પછી અરબી સમુદ્રમાં પણ ડીપ્રેશન સર્જાઇને ડીપ ડીપ્રેશનમાં પરીવર્તિત થયું હતું જેના પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને વાદળો છવાયેલા રહ્યા હતાં, ગઇકાલનો આખો દિવસ તો ધુમ્મસ જેવું વાતાવરણ રાત સુધી રહ્યું હતું જેના પગલે જામનગર અને હાલાર હીલ સ્ટેશન જેવા બની ગયા હતાં, ઠંડો પવન ફુંકાયો હતો, લોકો આહલાદક વાતાવરણને એક રીતે માણી રહ્યા હતાં, પરંતુ બીજી તરફ ખેડુતોના જીવ તાળવે ચોંટયા હતાં. 

મોસમમાં અણધાર્યા બદલાવ સતત ચાલું છે અને આજે આઇએમડીની સેટેલાઇટ ઇમેજ ઉપરથી એવું જોવા મળી રહ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ ખુબ નબળી પડી છે અને જે તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી હતી કે જેના પગલે યલો એલર્ટ અપાયું હતું તેમાં રાહત થતી દેખાય છે. 

બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં સતત ઘટાડો યથાવત છે, આજે પણ લઘુણમ તાપમાન ૨૨ ડીગ્રી, મહત્તમ ૨૮ ડીગ્રી રહ્યા છે, ભેજનું પ્રમાણ વધીને ૯૧ ટકા થયું છે અને પવનની ગતિ ઘટીને પ્રતિકલાક ૯.૫ કિ.મી. નોંધાઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application