BREAKING NEWS

જામનગરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં ૫૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવતા મહીનો થશે

  • July 20, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં ૫૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવતા મહીનો થશે

હાશકારો: સૌની યોજના હેઠળ લીંક-૧માંથી મચ્છુ ડેમમાંથી પમ્પીંગ કરી આજી-૩ ડેમમાં રવિવારથી નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

વરસાદમાં વિલંબથી શહેરની જળમાંગને પહોંચી વળવા આજી-૩માં ૨૦૦, ઉંડ-૧માં ૨૦૦ અને સસોઇ ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા કાર્યવાહી 

જામનગર શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં સૌની યોજના હેઠળ લીંક-૧માંથી મચ્છુ ડેમમાંથી પાણી  પમ્પીગ કરી આજી-૩ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું રવિવારથી શરૂ કરવામાં આવ્યું છે. જો કે, શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં ૫૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવતા મહીનો થશે તેમ સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. વરસાદમાં વિલંબથી શહેરની જળમાંગને પહોંચી વળવા આજી-૩માં ૨૦૦, ઉંડ-૧માં ૨૦૦ અને સસોઇ ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જામનગરમાં ચાલુ વર્ષે વિધિવત ચોમાસાના આગમને મહીનો થવા છતાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. બીજી બાજુ શહેરને પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમમાં સપ્ટેમ્બર મહીના સુધી તો અન્ય જળાશયોમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલી જળરાશી ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં વરસાદ ન થતાં શહેરમાં દીન-પ્રતીદીન જળસંકટ ઘેરૂ બની રહ્યું છે. જો કે, મનપાના પદાધિકારીઓ દ્વારા સંભવિત જળસંકટને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરી શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવા પાણી પુરવઠા વિભાગના મંત્રી સહીત અન્ય સંબધિત વિભાના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વરસાદના વિલંબ વચ્ચે એકાંતરા પાણી વિતરણમાં વિક્ષેપ ન પડે તે માટે શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવા જ‚રી બન્યા છે. 

સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં ચાર લીંક પાઇપલાઇન મારફત ૧૧૫ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે છે. જેમાં લીંક-૩ હેઠળ લીંબડી ભોગાવો-૨ ડેમથી રાયડી સુધી કે જેમાં કાલાવડ, જામજોધપુર, લાલપુર અને ભાણવડ તાલુકાના ડેમમાં પાણી ઠાલવામાં આવે છે. લીંક-૩ હેઠળ જામજોધપુર તાલુકામાં આવેલા ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું થોડાક દીવસો પૂર્વે શરૂ કરાયું છે. સૌની યોજનાની લીંક-૧ ના પેકેજ-૩ હેઠળ રાજકોટના પડધરી તાલુકાના ખજૂરડી ગામે આવેલા આજી-૩ ડેમથી જામનગર જિલ્લાના નંદપુર ગામે આવેલા ઉંડ-૧ ડેમ સુધી પાણી પહોંચે છે. જયારે લીંક-૧ના પેકેજ-૪ હેઠળ ઉંડ-૧ માંથી પીપરટોડા ગામે પંપહાઉસ સુધી, લીંક-૧ પેકેજ-૫ હેઠળ પીપરટોડા પંપહાઉસથી વીંજલપર ગામે સાની નદી સુધી નર્મદાના નીર પહોંચે છે. મોરબીના મચ્છુ ડેમમાં પાણીનુ લેવલ અપ થાય તો પમ્પીંગ કરી સૌની યોજનાની લીંક-૧ હેઠળ આવતા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવી શકાય. પરંતુ મચ્છુ ડેમમાંથી મોરબીને પણ પાણી વિતરણ કરવામાં આવે છે. આથી મચ્છુ ડેમમાં પાણીનું લેવલ અપ ન થતાં જામનગર શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં અવરોધ આવતો હતો. પરંતુ રવિવારે મચ્છુ  ડેમમાં પાણીનું લેવલ અપ થતાં પમ્પીંગ કરી આજી-૩ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ થયું છે. આથી જામનગર શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નર્મદાના નીર ઠલવાશે. જેના કારણે મહાનગરપાલીકાના અધિકારીઓ અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. જો કે, શહેરની પાણી પુરૂ પાડતા આજી-૩ ડેમમાં ૨૦૦ એમસીએફટી, ઉંડ-૧ ડેમમાં ૨૦૦ એમસીએફટી અને સસોઇ ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠલવતા સંભવત: એક મહીનો થશે તેમ સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application