જામનગર: બેડ નજીક ટાઉનશીપમાં ૪.૫૮ લાખની ચોરી
તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઇ ગયા : પોલીસ તપાસનો ધમધમાટ
જામનગરના ખંભાળીયા હાઇવે પર બેડ નજીક નંદનિકેતન ટાઉનશીપમાં કર્મચારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ ૪.૫૮ લાખનો મુદામાલ ચોરી કરી જતા ચકચાર વ્યપાી છે, ફરીયાદ અનુસંધાને સિકકા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
મુળ એમપીના ઉજજૈનના વતની અને હાલ જામનગર-ખંભાળીયા હાઇવે બેડ વિસ્તાર નંદનિકેતન ટાઉનશીપ મકાન નં. બી/૧૭ ખાતે રહેતા, નોકરી કરતા નીતીન યશવંતભાઇ દીક્ષીતએ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં તેમના રહેણાંક મકાનમાંથી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નિતીનભાઇના ટાઉનશીપ ખાતેના રહેણાંક મકાનમાં તા. ૧૮ના અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, દરવાજાનો લોકવાળો નકુચો તોડી અંદર ગેરકાયદે પ્રવેશી કબાટની તિજોરીના ખાના ખોલી તેમાં રાખેલા ઘરેણા જેમાં ૨ ચેન, કાનની બુટી ૨, સોનાનો લોકેટ, સોનાની વીટી ૩, ગળામાં પહેરવાનો સેટ દોઢ તોલાનો, હાથની સોનાની ૪ બંગડી આશરે ૫ તોલા, ૧ સોનાનું મંગલસુત્ર ૩ તોલાનું, નાકના દાણા, ચાંદીના ૨ નંગ ઝાંઝરા, ચાંદીની ૩ કટોરી, ચાંદીનો દીવો તથા રોકડા ૧૩ હજાર તેમજ બીજા રૂમની તિજોરીના ખાનામાં રાખેલ સોનાના બે બુટીયા, સોનાનો એક દાણો મળી કુલ ૪.૫૮ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા.
આ અંગે સિકકા પોલીસમાં ફરીયાદ કરાતા પીઆઇ એ.એલ. બારસીયા અને સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા આજુબાજુના કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.