જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક મહિલાની અટકાયત
સોના-ચાંદીના દાગીના સહિત ૧.૯૭ લાખનો મુદામાલ કબ્જે
જામનગરના નિલકંઠ પાર્કમાં એક રહેણાંક મકાનમાં દાગીના સહિતના મુદામાલની ચોરી થઇ હતી જેમાં પોલીસે તપાસ કરીને ભેદ ઉકેલી નાખ્યો હતો, એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.
સીટી-સી ડીવીઝન વિસ્તારમાં નિલકંઠ પાર્કમાં તાજેતરમાં પરિવાર મકાનના દરવાજાના આગળીયા બંધ કરીને કરીયાણુ લેવા ગયા હતા દરમ્યાન પાછળથી ચોરી થઇ હતી, જેમાં ફરીયાદ કરવામાં આવી હતી, એસપી અને એએસપીના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝન ઇન્ચાર્જ પી આઇ ધાસુરાની સુચનાથી સ્કવોડના પીએસઆઇ કંડોરીયાન માર્ગદર્શન હેઠળ વણ શોધાયેલા ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન સ્ટાફના એએસઆઇ યશપાલસિંહ, હેડ કોન્સ યુવરાજસિંહ તથા વનરાજભાઇને સંયુકત બાતમી મળેલ કે નિલકંઠ પાર્ક રહેણાંક મકાનમાં ચોરી કરનાર મહિલા તિરુપતી સોસાયટીના રસ્તેથી રીંગ રોડ તરફ મુદામાલ સગેવગે કરવાની ફીરાકમાં છે.
જે હકિકત આધારે વોચમાં રહી તિરુપતી પાર્ક, દ્વારકાધીશ સોસાયટી-૩માં રહેતી પુજાબેન દિપક ગોસ્વામીની અટક કરી હતી અને ચોરીમાં ગયેલ મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે એક જોડી સોનાની બુટી, બે વીંટી, ૪ સોનાના પેડલ, કાનની બાલી, ચાંદીનો સિકકો, ચાંદની કડલી, બે ચાંદીની રાખડી, એક જોડી પાયલ, બ્રેસલેટ, ચાંદીના સાંકળા, નજરીયુ અને રોકડા ૧૦ હજાર મળી કુલ ૧.૯૭.૬૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.