દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે શરૂ થયેલ આપના સત્યાગ્રહનો આજે ત્રીજો દિવસ
જામનગર-દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની કફોડી બનેલી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત અનિશ્ચિતકાળના ધરણા શરૂ કર્યા છે. અગાઉ ૨૯ ઓગસ્ટ સુધીમાં દુષ્કાળ જાહેર કરવા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ સાથે આ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. આંદોલનમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની સાથે જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમત ખવા, જામનગરના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, કોપોૈરટર જૈનબબેન ખફી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આંદોલનને પ્રથમ દિવસે જ આંશિક સફળતા સાંપડી છે અને સરકારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ઈસુદાન ગઢવીએ આ સત્યાગ્રહ દરમિયાન સરકાર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ મૂકી છે. જેમાં નિયમ મુજબ ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી વરસાદ ન પડ્યો હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સત્વરે દુષ્કાળ જાહેર કરવો, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, સૌની યોજનાનું પાણી છોડવું અને ખેડૂતોના વીજળી બિલ સંપૂર્ણ માફ કરવાનો સમાવેશ થાય છે. દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની ભારે અછત હોવાથી ખેડૂતોની આજીવિકા સંકટમાં મુકાઈ છે.
સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી છોડવાના નિર્ણયને પ્રથમ આંશિક માંગણીની જીત ગણાવતાં ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આ જીત મારી નહીં પરંતુ ખેડૂતોની એકતાની જીત છે અને હું માત્ર એક નિમિત્ત છું. ડેમોમાં વાસ્તવિક રીતે પાણી છોડવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેઓ પોતાની ટીમો પણ મોકલશે. આ સાથે જ તેમણે સરકારને બાકી રહેલી માંગણીઓ જેવી કે ત્વરિત દુષ્કાળ જાહેર કરવા, ઘાસચારો પૂરો પાડવા અને વીજળી બિલ માફ કરવાના નિર્ણયો પણ વહેલી તકે લેવા અપીલ કરી છે. તમામ ખેડૂતોને પોતાના હક અને ભવિષ્યની લડાઈ માટે એક થઈને લડવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application