BREAKING NEWS

ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા...

  • August 29, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા...​​​​​​​
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના સમયે બાઇક પર નીકળ્યા હતા, ત્યારે તેમના સ્કૂટર આડે એકાએક પશુ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈઓની નજર સામે જ ૧૯ વર્ષીય બહેનનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

ખંભાળિયા પંથકમાં ખૂબ જ અરેરાટીજનક બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા લોહાણા મહાજનના તત્કાલીન ટ્રસ્ટી અને જાણીતા કાર્યકર રાકેશભાઈ પંચમતીયાની ભત્રીજી અને પરેશભાઈ પંચમતીયાની ૧૯ વર્ષની પુત્રી શ્રીહરી તેમજ અન્ય પરિવારજનોએ ગઈકાલે રક્ષાબંધન પર્વની પરંપરાગત અને મોજથી ઉજવણી કરી હતી. પરિવારજનો સાથે હોટેલમાં જમ્યા બાદ શ્રીહરિ તેમજ તેણીના મોટાભાઈ દર્શિલ અને નાનાભાઈ દર્શન સાથે તેઓ બાઈકમાં ગતરાત્રીના સમયે આંટો મારવા નીકળ્યા હતા.

તેમના ઘરેથી થોડા દૂર આહિર સિંહણ રોડ (ધરમપુર) ખાતે રાત્રિના આશરે અગિયારેક વાગ્યે સમયે તેઓની બાઈક આડે એકાએક ગાય ઉતરતા તેમનું મોટરસાયકલ તેની સાથે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં શ્રીહરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેણીએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે મોટાભાઈ દર્શિલ અને નાનાભાઈ દર્શનને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. 

રક્ષાબંધનના પવિત્ર દિવસે પંચમતીયા પરિવારની તેજસ્વી પુત્રીના અકાળે થયેલા આ અકસ્માતના બનાવથી સમગ્ર પંચમતીયા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આ બનાવથી રઘુવંશી સમાજ સાથે શહેરભરમાં ભારે શોકની લાગણી જોવા મળી છે. આજરોજ સવારે ૧૧ વાગ્યે શ્રીહરીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિજનો સાથે આગેવાનો, હોદ્દેદારો વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application