જામનગર : દરિયાઈ સુરક્ષા માટે કાલથી બે દિવસ સાગર કવચ અભિયાન
દેવભૂમિ દ્વારકા તેમજ ઓખાના તમામ માછીમારો માટે કડક નિયમો જાહેર
ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આગામી ૫ અને ૬ મે ૨૦૨૬ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે "સાગર કવચ ૦૧/૨૦૨૬" સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવનાર છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમારો અને બોટ માલિકો માટે કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બે દિવસીય અભિયાન દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવા માટે ફિશરીઝ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દરિયામાં જતી તમામ બોટો, ખલાસીઓ અને દસ્તાવેજોની ૧૦૦% ચકાસણી કરવામાં આવશે. આ માટે માછીમારોએ ઓનલાઈન ટોકન સોફ્ટવેરથી ટોકન લીધા બાદ જ દરિયામાં જવાનું રહેશે અને બોટના અસલ લાયસન્સ, વી.આર.સી. તેમજ પ્રિન્ટ પોતાની સાથે રાખવી પડશે. દરેક ખલાસી અને ટંડેલ પાસે ઓરિજિનલ ક્યુ.આર. કોડ વાળું આધારકાર્ડ હોવું ફરજિયાત છે, જેના વગર કોઈને પણ માછીમારી કરવા જવા દેવામાં આવશે નહીં.
આ સુરક્ષા કવાયત દરમિયાન તમામ બોટો પર નિયત કલર કોડ હોવો જરૂરી છે અને બોટનું નામ, રજિસ્ટ્રેશન નંબર તેમજ રાષ્ટ્રધ્વજ દુરથી સ્પષ્ટ દેખાય તે રીતે પેઇન્ટ થયેલા હોવા જોઈએ. બોટમાં લાઈફ જેકેટ, રીંગ બોયા, રેડિયો, જીપીએસ, ટ્રાન્સપોન્ડર અને ડીએટી જેવા જીવરક્ષક સાધનો ચાલુ હાલતમાં રાખવાના રહેશે અને ટોકનમાં નોંધાયેલા ખલાસીઓમાં કોઈપણ ફેરફાર કે સગીર વયના બાળકોને સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માછીમારોએ પોતાની બોટ કોઈને ભાડે આપવી નહીં અને નિયત સમય મર્યાદામાં જ પરત આવીને સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે. આ અભિયાન દરમિયાન નેવી અને કોસ્ટગાર્ડના જહાજોની કામગીરીમાં કોઈ અડચણ ન ઉભી થાય તે રીતે માછીમારી કરવાની કડક સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારોને કોઈપણ અજાણી શંકાસ્પદ વ્યક્તિ કે બોટને આશરો ન આપવા, રસ્તો ન બતાવવા કે કોઈ વસ્તુની આપ-લે ન કરવા તાકીદ કરવામાં આવી છે. ’નો ફિશિંગ ઝોન’, આઈ.એમ.બી.એલ., રિફાઈનરી અને એસ.પી.એમ. જેવા પ્રતિબંધિત વિસ્તારોથી દૂર રહીને જ માછીમારી કરવાની રહેશે અને ગેરકાયદેસર એલઈડી કે પેરા ફિશિંગ પદ્ધતિનો ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. જો દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો માછીમારોએ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની રહેશે અને કટોકટીના સમયે મદદ મેળવવા માટે કોસ્ટગાર્ડના ટોલ ફ્રી નંબર ૧૦૯૩ અથવા કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૯૨-૨૬૨૦૭૬ પર સંપર્ક કરવાનો રહેશે.