BREAKING NEWS

જામનગર શહેરમાં વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

  • July 20, 2026 09:56 AM 

જામનગર શહેરમાં વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા

લો-વોલ્ટેજ અને ટ્રાન્સફોર્મર બદલવા સહિતના જનહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા રાજ્યમંત્રીની સૂચના

જામનગર શહેરના નાગરિકોને નિયમિત, પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, જામનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વોર્ડના સ્થાનિક વીજ પ્રશ્નો અને ફરિયાદોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા. શહેરીજનોને વીજળી સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેવાના થતા જરૂરી તમામ વહીવટી અને ટેકનિકલ પગલાંઓ અંગે મંત્રીએ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠકમાં જામનગર શહેરમાં લો-વોલ્ટેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા, તેમજ જરૂરિયાત મુજબના નવા ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં નડતી અડચણો અને તે માટેની જરૂરી જગ્યા ફાળવવા અંગેના પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરાતી વિવિધ વિકાસલક્ષી કામગીરી દરમિયાન અવારનવાર વીજ લાઈનો તૂટવાના પ્રશ્નો સામે આવતા હોય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મહાનગરપાલિકાની સંલગ્ન શાખાઓ અને પીજીવીસીએલના અધિકારીઓ પરસ્પર સંયુક્ત રીતે મજબૂત સંકલન જાળવીને કામ કરે તેવી સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી.

બેઠકમાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા પણ એક મહત્વનું સૂચન કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં વીજ ફોલ્ટ કે અકસ્માત નિવારી શકાય તે માટે નાગરિકો અને તંત્ર દ્વારા વીજ લાઈનની બિલકુલ નીચે વૃક્ષારોપણ ન કરવું જોઈએ. આ સાથે જ ટેકનિકલ ખામી કે જાળવણીના કારણે જ્યારે વીજ પુરવઠો બંધ થાય, ત્યારે નાગરિકોને તેની પૂર્વ જાણ થાય અને પીજીવીસીએલના કંટ્રોલ રૂમ કે હેલ્પલાઈન નંબરો પરથી ગ્રાહકોને યોગ્ય પ્રત્યુત્તર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ મંત્રીએ તાકીદ કરી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું સમયસર અને સંતોષકારક નિવારણ લાવવું એ આપણી પ્રાથમિકતા છે.

​આ બેઠકમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એચ.ડી.વ્યાસ, સીટી-૧ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર જે.ડી.પાણખાણીયા, સીટી-૨ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ.આર.પટેલ તેમજ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application