ખંભાળિયા-જામનગર રોડ પર વાહન અકસ્માતમાં બેનાં મોત
ઓવરટેક કરતી વખતે સામેથી આવતા ટ્રક સાથે પિકઅપ વાહનની ટક્કર : બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-જામનગર રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આરાધના ધામ પાસે વાહનને ઓવરટેક કરતા સમયે પિકઅપ વાહન સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે અને ૧૦૮ની ટીમે બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા છે.
આ ઘટના આજે વહેલી સવારે ૩:૦૦ વાગ્યા આસપાસ બની હતી. મેઘપર નજીક આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા મજૂરોને લઈને જઈ રહેલી પિકઅપ ગાડી ઓવરટેક કરવા જઈ રહી હતી. તે જ સમયે ચાલકે કાબૂ ગુમાવતા વાહન સામે જઈ રહેલી ટ્રકમાં જોરદાર ધડાકા સાથે ઘૂસી ગયું હતું.
આ અકસ્માતમાં કમલેશ્વર મહાજી (ઉંમર ૨૧) અને અર્જુન ખેમલાલ (ઉંમર ૧૪) નામના બે સભ્યોના સ્થળ પર જ દર્દનાક મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ વાહનના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં રેસ્ક્યૂ ટીમને આશરે ૨ કલાક જેટલો સમય લાગી ગયો હતો.
આ બનાવમાં કૌશિક ગોવિંદ પરમાર (ઉંમર ૩૦) નામના અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હાલ આ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.