જામનગરમાં વિધવા સહાયના નામે ૧૭.૧૩ લાખ પડાવી લીધા
સહાયની રકમ મેળવવા રૂપીયાની જરૂરીયાત હોવાનું કહી કટકે કટકે ટ્રાન્જેકશન કરાવ્યા : પરત આપવાની ખાતરી દીધા બાદ મહિલાએ હાથ ઉંચા કર્યા
જામનગરમાં વિધવા સહાય યોજના હેઠળ મોટી રકમ મળવાની હોવાનું કહી એક મહિલાએ ટેકનિશિયનને વિશ્વાસમાં લઈ અલગ-અલગ યુપીઆઈ આઈડી અને ક્યૂઆર કોડ પર તબક્કાવાર કુલ ૧૭,૧૩ લાખ જેવી રકમ ટ્રાન્સફર કરાવી પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કર્યાનો મામલો પોલીસમાં પહોચ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા રાજપાર્ક-૧માં રહેતા ફરિયાદી ઓમપ્રકાશ રાજારામભાઈ ચૌધરી ખાનગી કંપનીમાં ડીશ ટીવી ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેમની ફરિયાદ મુજબ થોડા વર્ષો પહેલા પોતાની કામગીરી દરમ્યાન ખોડિયાર કોલોનીમાં રહેતી નીતાબેન રસિકલાલ ખારેચા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ડીશ ટીવીના રિચાર્જ અને સર્વિસના કામે અવારનવાર સંપર્કમાં રહેતાં નીતાબેને પોતાના પતિના અવસાન બાદ વિધવા સહાય યોજના હેઠળ મોટી રકમ મળવાની હોવાનું કહી સરકારી પ્રક્રિયા માટે નાણાંની જરૂર હોવાનું જણાવ્યું હતું અને ફરીયાદીને વિશ્ર્વાસમાં લીધા હતા.
ફરિયાદ અનુસાર, શરૂઆતમાં નીતાબેને યુપીઆઈ પર રકમ મોકલવા જણાવ્યું હતું અને ત્યારબાદ વિવિધ યુપીઆઈ આઈડી તેમજ ક્યૂઆર કોડ મારફત અલગ-અલગ હપ્તામાં નાણાં મંગાવ્યાં હતા. વિધવા સહાયની રકમ મળતાં જ તમામ રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપતાં ફરિયાદીએ વિશ્વાસ રાખીને તા. ૮ નવેમ્બર, ૨૦૨૫થી તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન કુલ રૂપિયા ૧૭,૧૩,૯૭૯ ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હવે આરોપી મહિલા રૂપીયા પરત આપતા ન હોય અને ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરતા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) મુજબ ગુનો નોંધીને સીટી-બી પીએસઆઇ ડી.જી. રાજ વધુ તપાસ ચલાવી રહયા છે.