જૂનાગઢમાં મહામંડલેશ્વર પર હુમલો કરનાર સાધુ શિવગિરી સામે કાર્યવાહી: ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરાયું

  • November 26, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયેલા માથાભારે સાધુ શિવગિરી સામે આજે ૨૬ નવેમ્બરે વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ પાછળ શિવગિરી દ્વારા ખડકી દેવામાં આવેલા ગેરકાયદે પાકા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તંત્ર અને પોલીસ કાફલા દ્વારા શિવગિરીના ઘરની તમામ ઘરવખરી પણ કબજે કરવામાં આવી હતી અને તેને ટ્રેક્ટરમાં ભરીને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.


આ સમગ્ર ઘટનાક્રમની વિગતો મુજબ, ગત ૨૪ નવેમ્બરની રાત્રે આરોપી શિવગિરીએ જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના ૧૦૦૮ અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ મા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને અંજામ આપ્યા બાદ શિવગિરી ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી ગુરુ જયદેવગિરી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂપિયા ૧.૬૨ લાખની લૂંટ ચલાવવા અને હુમલો કરવા અંગે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે આ જ સ્થળ પરના ગેરકાયદે દબાણ સામે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ આ જગ્યા પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવીને તેને દૂર કર્યું હતું. જોકે, કાયદાનો કોઈ ડર ન હોય તેમ માથાભારે શિવગિરીએ ફરીથી તે જ સ્થળે પાકું બાંધકામ ઊભું કરી દીધું હતું, જેને આજે તંત્ર દ્વારા ફરી એકવાર સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.


હુમલાખોર શિવગિરીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો રહ્યો છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં તેની સામે કુલ ૬ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૩ કેસમાં તે નિર્દોષ છૂટી ચૂક્યો છે. તેની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગત ફેબ્રુઆરી, ૨૦૨૬માં તંત્ર દ્વારા તેને માત્ર જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ આસપાસના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો હતો.


અગાઉ વર્ષ ૨૦૨૩માં પણ ભવનાથ પોલીસ મથકે શિવગિરી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૭ મુજબ હત્યાની કોશિશનો ગંભીર ગુનો નોંધાયો હતો. તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળા દરમિયાન તે ખુલ્લી તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરી રહ્યો હતો. તે સમયે એક સાધ્વીએ તેને આવું કૃત્ય કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ માથાભારે નાગા સાધુએ સાધ્વીના પેટના ભાગે તલવાર મારી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ સાધ્વીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસ ફરાર શિવગિરી અને તેના સાગરીતોની શોધખોળ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application