જામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ

  • November 27, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ

છેલ્લા ૧૧ દિવસમાં ૭૧,૯૦૦ ગુણીની હરરાજી; ૫૬૦ વાહનોમાં ૪૨ હજાર ગુણીની આવકથી યાર્ડ ફરી હાઉસફૂલ, નવી આવક પર રોક

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેપારમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા હાપા યાર્ડ તરફ ઉમટી રહ્યા છે. બીજી તરફ, તમિલનાડુ સહિત બહારગામના વેપારીઓની ખરીદીના કારણે મગફળીની માંગમાં પણ વધારો થયો છે. ગઈકાલે ૯ નંબરની મગફળીનો પ્રતિ મણ રૂ. ૩,૦૨૦નો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાતાં બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાભપાંચમથી શરૂ થયેલી હરરાજીના ૧૧ દિવસમાં કુલ ૭૧,૯૦૦ ગુણી મગફળીની હરરાજી થઈ ચૂકી છે.

હાપા યાર્ડમાં મગફળીની મબલખ આવકને પગલે અગાઉ પાંચ દિવસ સુધી નવી આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે ફરી આવક શરૂ કરવાની છૂટ આપવામાં આવતાં જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતોનો ધસારો ઉમટ્યો હતો. બુધવારે મોડી રાતથી ગુરુવારે વહેલી સવાર સુધીમાં અંદાજે ૫૬૦ વાહનો મારફતે ૪૨ હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. આટલી મોટી આવકના પગલે યાર્ડ ફરી એક વખત મગફળીથી છલોછલ ભરાઈ ગયું હતું અને જગ્યા ખૂટી પડતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી હતી.

હાલ યાર્ડમાં અગાઉથી ઉતારવામાં આવેલી મગફળીની હરરાજી ગઈકાલે પણ ચાલુ રહી હતી અને આજે પણ અવિરત ચાલી રહી છે. યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો હરાજી માટે પડ્યો હોવાથી વેપારીઓ દ્વારા ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસો સુધી ચાલે તેટલો જથ્થો યાર્ડમાં ઉપલબ્ધ હોવાથી નવી આવક શરૂ કરવા અંગે હાલ કોઈ ઉતાવળ કરવામાં આવી રહી નથી.મગફળીના ભાવની વાત કરવામાં આવે તો હાપા યાર્ડમાં ગઈકાલે ૯ નંબરની મગફળીનો પ્રતિ મણ રૂ. ૩,૦૨૦નો ભાવ બોલાયો હતો.

અગાઉ આ જ જાતના રૂ. ૨,૯૩૦ સુધીના ભાવ નોંધાયા હતા. આમ, અગાઉના ઊંચા ભાવ કરતાં પણ રૂ. ૯૦નો વધારો નોંધાતાં મગફળીના બજારમાં નવી તેજી જોવા મળી છે. લાભપાંચમના પ્રારંભિક દિવસે ૯ નંબરની મગફળીના મહત્તમ રૂ. ૨,૭૪૦ના ભાવ હતા, જે વધીને હવે રૂ. ૩,૦૨૦ સુધી પહોંચ્યા છે. આમ, માત્ર ૧૧ દિવસમાં પ્રતિ મણ રૂ. ૨૮૦નો વધારો નોંધાયો છે.

હાપા યાર્ડમાં અગાઉ નોંધાયેલા જાતવાર ભાવ મુજબ ૯ નંબરની મગફળીના રૂ. ૧,૫૦૦થી રૂ. ૨,૯૩૦, ૬૬ નંબરની મગફળીના રૂ. ૧,૫૦૦થી રૂ. ૨,૨૦૦, ઝીણી મગફળીના રૂ. ૧,૪૮૦થી રૂ. ૧,૭૦૦ અને જાડી મગફળીના રૂ. ૧,૨૦૦થી રૂ. ૧,૬૧૫ સુધીના ભાવ બોલાયા હતા. હવે ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ સુધી પહોંચતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હાપા યાર્ડમાં મગફળીની આવક અને ભાવમાં વધારો થવા પાછળ બહારગામના વેપારીઓની ખરીદી પણ મહત્ત્વનું કારણ બની રહી છે. ખાસ કરીને તમિલનાડુના વેપારીઓ મોટી સંખ્યામાં મગફળીની ખરીદી માટે જામનગર આવી રહ્યા છે. ગુણવત્તાસભર મગફળીની માંગ રહેતી હોવાથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી વેચવા હાપા યાર્ડમાં આવી રહ્યા છે.

આમ, એક તરફ ૧૧ દિવસમાં ૭૧,૯૦૦ ગુણીની હરરાજી અને બીજી તરફ એક જ તબક્કામાં ૫૬૦ વાહનો મારફતે ૪૨ હજાર ગુણીની આવકના કારણે હાપા યાર્ડમાં મગફળીના વેપારે નવી ઊંચાઈ હાંસલ કરી છે. ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ સુધી પહોંચતાં ખેડૂતોને સારા વળતરની આશા જાગી છે. જોકે, મબલખ આવકના કારણે યાર્ડમાં જગ્યા ટૂંકી પડતાં નવી આવક પર રોક લગાવવી પડી છે અને હાલ અગાઉથી આવેલી મગફળીની હરરાજી ચાલુ રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application