૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો

  • November 27, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છેલ્લા દોઢ દાયકામાં ભારત અને ચીનની પ્રતિ વ્યક્તિના જીડીપીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2010થી 2026ના સમયગાળામાં ભારતની પ્રતિ વ્યક્તિ જીડીપી બમણીથી પણ વધુ થઈને 1,348 ડોલરથી વધીને 2,750 ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. બીજી તરફ, આ જ સમયગાળામાં ચીનની પ્રતિ વ્યક્તિ જીડીપી ત્રણ ગણીથી વધુ વધીને 4,629 ડોલરથી 15,371 ડોલર સુધી પહોંચી શકે છે.


ઝડપી આર્થિક વિકાસ છતાં, પ્રતિ વ્યક્તિ જીડીપીના 16 વર્ષમાં ભારતનીમામલે ભારત હજુ પણ ચીનથી ઘણું પાછળ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના ઓક્ટોબર 2026ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના આંકડાઓમાં પણ બંને દેશોની આર્થિક સ્થિતિ વચ્ચેનો આ તફાવત સ્પષ્ટ દેખાય છે. ભારતના અર્થતંત્રમાં ઘરેલુ ખપત, સેવાઓનો વિસ્તાર, માળખાગત સુવિધાઓ પર મૂડીરોકાણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વધતી પ્રવૃત્તિઓ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.



વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિ અને ગતિ અંગે અહેવાલમાં મહત્વપૂર્ણ બાબતો દશર્વિવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની રેન્કિંગમાં સુધારો સતત જળવાઈ રહ્યો છે, પરંતુ ચીન અને વિયેતનામે તેના કરતાં વધુ ઝડપી પ્રગતિ કરી છે. વર્ષ 2007માં ચીનની પ્રતિ વ્યક્તિ જીડીપી જેટલી હતી, તેટલી સ્થિતિ ભારતમાં વર્ષ 2025માં જોવા મળી હતી. ઉપરાંત, વર્ષ 2016માં વિયેતનામની પ્રતિ વ્યક્તિ જીડીપી ભારતની સમકક્ષ રહી હતી. 2027ની અંદાજિત પ્રતિ વ્યક્તિ જીડીપી (લાખ રૂપિયામાં) મુજબ અમેરિકામાં 87.97, જર્મનીમાં 60.7, જાપાનમાં 44.94, રશિયામાં 18.4, ચીનમાં 14.2 અને ભારતમાં 2.54 (2010માં 1.25) રહેવાનો અંદાજ છે.



ચીનની આર્થિક પ્રગતિનો મુખ્ય આધાર તેનો વિશાળ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ, નિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મજબૂત ભાગીદારી રહ્યો છે. ભારત માટે સકારાત્મક બાબત એ છે કે અર્થતંત્ર સતત મજબૂત વિકાસ દર જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



ભારતની આર્થિક વૃદ્ધિ પાછળ અનેક મહત્વપૂર્ણ પરિબળો કાર્યરત છે. ઘરેલુ ખપત હેઠળ જીડીપીમાં ખાનગી ખપતનો હિસ્સો નાણાકીય વર્ષ 2025-26માં વધીને 61.5 ટકા થવાનો અંદાજ રહ્યો છે, જેનાથી બજારમાં માંગ અને વેપારને મજબૂતી મળી છે. સેવા ક્ષેત્રમાં આઈટી, નાણાકીય સેવાઓ, કારોબાર અને વ્યાવસાયિક સેવાઓના વિસ્તારથી આર્થિક ગતિવિધિઓ વધી છે. માળખાગત સુવિધાઓ અંતર્ગત રસ્તા, રેલવે, વીજળી અને લોજિસ્ટિક્સમાં સરકારી મૂડીખર્ચથી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. મેન્યુફેક્ચરિંગમાં ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, દવા અને અન્ય ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધવાથી રોજગાર અને ઉત્પાદનને ટેકો મળી રહ્યો છે, જ્યારે ડિજિટલ ચુકવણી અને ઓનલાઈન કારોબારના વિસ્તારથી ડિજિટલ અર્થતંત્રમાં નવી તકો ઊભી થઈ છે.


શું ભારત 2047 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બની શકે છે, તે અંગે આર્થિક નિષ્ણાતોએ સ્પષ્ટ ગણતરી રજૂ કરી છે. નિષ્ણાતોના મતે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતે ડોલરના સંદર્ભમાં પોતાની પ્રતિ વ્યક્તિ જીડીપીમાં વાર્ષિક ઓછામાં ઓછી 9 ટકા વૃદ્ધિ કરવી પડશે, જેના માટે કુલ જીડીપી પણ વાર્ષિક 9.5 ટકાના દરે વધારવી જરૂરી છે. જો દેશમાં મોંઘવારી સરેરાશ 4 ટકા રહે અને ડોલર સામે રૂપિયો દર વર્ષે બે ટકા નબળો પડે, તો આગામી 25 વર્ષ સુધી ભારતે વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર સરેરાશ 7.5 ટકા જાળવી રાખવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application