સુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન

  • November 27, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના ઉદ્યોગ જગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (ડીડીઆઈ) દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવીને મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત ‘અકાય ઈન્ડસ્ટ્રીઝ’ તેમજ ‘શ્રી અરિહંત ડાયકેમ’ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ સર્ચ ઓપરેશનની કાર્યવાહીમાં મુંબઈ અને સુરત બંને શહેરોના 80થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો છે. 


આ દરોડા અંતર્ગત ‘શ્રી અરિહંત ડાયકેમ’ના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાને પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓ સાથે જોડાયેલા અન્ય ધંધાકીય સ્થળો અને એકમો પર પણ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે. દરોડા દરમિયાન અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફાઈલો અને ડિજિટલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.


પ્રાથમિક વિગતો મુજબ, હજુ પણ અન્ય કેટલાક સંબંધિત સ્થળોએ ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચીને દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. તપાસ એજન્સીઓને આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો અને બિનહિસાબી નાણાકીય લેવડદેવડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.


સંયુક્ત ઓપરેશન દ્વારા બંને કંપનીઓના ખરીદ-વેચાણના હિસાબો અને અન્ય સંલગ્ન વ્યવહારોની કડીઓ જોડવાની કામગીરી ચાલી રહી છે. આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરેક સ્થળેથી મળેલી માહિતી અને દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યા બાદ આગામી સમયમાં આ સમગ્ર મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. હાલ સમગ્ર ઔદ્યોગિક વર્તુળોમાં આ દરોડાની કામગીરી 
ચર્ચાનો વિષય બની છે.


અકાય ઇન્ડસ્ટ્રીઝ ફૂડ-ગ્રેડ કલર્સ અને પિગમેન્ટ્સની અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કંપની છે. કંપનીની પ્રોફાઇલ મુજબ, તે હળદર, બીટરૂટ, અન્નાટ્ટો અને વેજિટેબલ કાર્બન જેવા કુદરતી ફૂડ કલર્સ ઉપરાંત એફડીએન્ડસી સિન્થેટિક ડાઇઝ, ડીએન્ડસી કલર્સ, લેક કલર્સ, લિક્વિડ કલર્સ અને કસ્ટમ બ્લેન્ડેડ પાવડર સહિત 50થી વધુ વેરિઅન્ટ્સ ઓફર કરે છે. આ ઉત્પાદનો બેવરેજીસ, બેકરી, કન્ફેક્શનરી, ડેરી, પેટ ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક્સ જેવા વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે, જેના માટે કંપની પોતાની ઇન-હાઉસ લેબ અને આર એન્ડ ડી સેટઅપ દ્વારા ગ્રાહકોની જરૂરિયાત મુજબ કસ્ટમ કલર ફોર્મ્યુલેશન તૈયાર કરી આપે છે તેમજ વેબસાઇટ પરથી સેમ્પલ અને બ્રોશરની સુવિધા પણ પૂરી પાડે છે.


સુરત નજીકના ઔદ્યોગિક હબ સચિન જીઆઈડીસીમાં આવેલી કંપનીની પ્રોફાઇલ મુજબ, દાયકાઓ જૂનો ઇતિહાસ ધરાવતી અને 1989–1993ના સમયગાળાથી ડાયઝ તેમજ ડાય ઇન્ટરમીડિએટ્સના ક્ષેત્રમાં વિસ્તરણ કરનારી આ કંપની 150થી વધુ કર્મચારીઓના વર્કફોર્સ સાથે દર મહિને 250 મેટ્રિક ટન સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ગૂગલ મેપ્સ પર 'વિમેન-ઓન્ડ બિઝનેસ' (મહિલા સંચાલિત ઉદ્યોગ) તરીકે નોંધાયેલી અને સચિન જીઆઈડીસી ખાતે સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ તેમજ ડાયઝ માટે પર્યાવરણીય મંજૂરીઓ ધરાવતી આ કંપની મુખ્યત્વે આર સોલ્ટ, જી સોલ્ટ, એમીડો જી સોલ્ટ અને કે એસિડ જેવા ડાય ઇન્ટરમીડિએટ્સનું ઉત્પાદન અને સપ્લાય કરે છે, જેનો ઉપયોગ ડાય સ્ટફ અને ફૂડ કલર સહિતના કેમિકલ ઉદ્યોગોમાં થાય છે. આ ઉપરાંત તે 'અરિહંત કલર' બ્રાન્ડ હેઠળ નેચરલ, સિન્થેટિક અને લેક ફૂડ કલર્સ તેમજ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના સેગમેન્ટ સાથે પણ સંકળાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application