ચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત

  • November 27, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ચીનની જાણીતી રેસ્ટોરાં ચેઇન ન્યૂ ન્યૂ સુકિયાકીએ મહિલા કર્મચારીઓ માટે મેકઅપ ફરજિયાત બનાવ્યો હોવાની વિગતો બહાર આવતાં વિવાદ ઊભો થયો છે. રેસ્ટોરાંમાં ગ્રાહકોને ભોજન પીરસતી મહિલાઓ જ નહીં, પરંતુ રસોડામાં કામ કરતી અને સફાઈ કરતી મહિલા કર્મચારીઓને પણ મેકઅપ કરીને ફરજ પર આવવાનું કહેવામાં આવે છે. પુરુષ કર્મચારીઓ માટે આવી કોઈ શરત નહીં હોવાથી આ નિયમને મહિલાઓ પ્રત્યેના ભેદભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.



સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે શાંઘાઈથી શરૂ થયેલી ન્યૂ ન્યૂ સુકિયાકી જાપાની શૈલીનું હોટપોટ ભોજન પીરસતી જાણીતી રેસ્ટોરાં ચેઇન છે. તેની વિવિધ શાખાઓમાં મેકઅપ અંગેના નિયમો અલગ છે. કેટલીક શાખાઓમાં માત્ર ગ્રાહકોની સામે કામ કરતી મહિલાઓ માટે મેકઅપ ફરજિયાત છે, જ્યારે અન્યચીનમાં મહિલા શાખાઓમાં રસોડા અને સફાઈ વિભાગની મહિલાઓને પણ આ નિયમ લાગુ પડે છે.



મહિલા કર્મચારીઓ પાસેથી માત્ર હળવી લિપસ્ટિક લગાવવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. કેટલાક મેનેજરો લિપસ્ટિક ઉપરાંત આઇશેડો, આઇલાઇનર અને નકલી પાંપણો લગાવવાનો પણ આગ્રહ રાખે છે. વાળ યોગ્ય રીતે ગોઠવેલા હોવા જોઈએ એવી સૂચના પણ આપવામાં આવે છે. બીજી તરફ પુરુષ કર્મચારીઓએ માત્ર સ્વચ્છ અને વ્યવસ્થિત કપડાં પહેરીને આવવાનું હોય છે.



કંપ્ની પૂર્ણ સમયના કર્મચારીઓને મેકઅપ્ના ખર્ચ માટે દર મહિને 100 યુઆનનું ભથ્થું આપે છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ આશરે રૂ. 1200થી રૂ. 1300 થાય છે. જોકે, મહિલા કર્મચારીઓની દલીલ છે કે મેકઅપ માટે પૈસા આપવાથી તેને ફરજિયાત બનાવવાનું યોગ્ય ઠરતું નથી. મેકઅપ કરવામાં અને કામ પૂરું થયા પછી તેને દૂર કરવામાં વધારાનો સમય ખર્ચવો પડે છે.



એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે આ નિયમને કારણે કેટલીક વખત સવારે પાંચ વાગ્યે ઊઠીને તૈયાર થવું પડતું હતું. લિનલિન નામની મહિલાએ જણાવ્યું કે તેમને મેકઅપ અને હેર સ્પ્રેનો યોગ્ય ઉપયોગ આવડતો ન હોવાથી પાર્ટટાઇમ નોકરી મળી નહોતી.


સોશિયલ મીડિયા પર ગ્રાહકોએ પણ આ નિયમની ટીકા કરી છે. ગ્રાહકોનું કહેવું છે કે તેઓ રેસ્ટોરાંમાં સારું ભોજન અને સારી સેવા મેળવવા જાય છે, કર્મચારીઓનો મેકઅપ જોવા નહીં. અગાઉ ચીનની બિગ પિઝા અને હૈદિલાઓ જેવી રેસ્ટોરાં ચેઇન પણ મહિલા કર્મચારીઓના મેકઅપ સંબંધિત નિયમોને કારણે વિવાદમાં આવી ચૂકી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application