જામનગરના વોર્ડ નં.૯ માં આંગણવાડી પાસે ગંદા પાણીની રેલમછેલ, કચરાના ગંજ

  • November 14, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વોર્ડ નં.૯ માં આંગણવાડી પાસે ગંદા પાણીની રેલમછેલ, કચરાના ગંજ

મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડમાં ગંદકીની ભરમારથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ

વાલીઓ અને બાળકો ફરજીયાત ગટરના પાણીમાંથી પસાર થઇ આંગણવાડીમાં  જવા મજબૂર

જામનગરના મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડ નં.૯ માં આંગણવાડીના પ્રવેશદ્વાર પાસે ગંદા પાણીની રેલમછેલ અને કચરાના ગંજથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. વાલીઓ અને બાળકો ફરજીયાત ગટરના પાણીમાંથી પસાર થઇ આંગણવાડીમાં જવા મજબૂર બન્યા છે. 

જામનગરના ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં.૯ માં સમસ્યા ઘટવાને બદલે વધી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. વર્તમાન સમયમાં આ જ વોર્ડના નગરસેવકો મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે છે. ત્યારે આ વોર્ડમાં લીમડાલાઇન વિસ્તારમાં પાર્વતીદેવી સ્કૂલ પાસે આવેલા આંગણવાડી કેન્દ્રમાં કે જયાં ભૂલકાઓ અભ્યાસ અર્થે જાય છે. આ આંગણવાડીના દરવાજા પાસે ગટર ઉભરાતા ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. આટલું જ નહીં કચરાના ગંજ પણ ખડકાયા છે. આથી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો પર રોગચાળાનું જોખમ ઝંળુબી રહ્યું છે. ખાસ કરીને આંગણવાડીના દરવાજા પાસે ગટર ઉભરાતા વાલીઓ અને બાળકોને ફરજીયાત આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આથી વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આંગણવાડી કેન્દ્રના સંચાલકો પણ આ સમસ્યાથી પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવાઇની વાત એ છે કે, આંગણવાડી પાસે ગંદકીની સમસ્યાથી શું મનપાની વોર્ડ ઓફીસ તથા અન્ય અધિકારીઓ અજાણ છે કે પછી આંખા આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સવાલ પણ ઉઠયો છે. અત્રે નોંધનીય એ પણ છે કે, મહાનગરપાલીકા દ્વારા સફાઇ પાછળ કરોડો ‚પીયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગંદકીના આ પ્રકારના વરવા દ્રશ્યો સફાઇ પાછળ કરવામાં આવતા ખર્ચ સામે શંકા અને સવાલો ઉભા કરે છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application