જામનગરમાં ઠંડીનું આગમન: ૨૪ કલાકમાં તાપમાન ૪.૫ ડિગ્રી ગગડતાં વાતાવરણ ઠંડુંગાર, લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાયા
જામનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ હોવા છતાં હવે રાત્રિના સમયે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને વહેલી સવારે કામકાજ અર્થે ઘરેથી નીકળતા વાહનચાલકો અને રાહદારીઓ સ્વેટર, મફલર, કાનપટ્ટી સહિતનાં ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને અંદાજે ૪થી ૫ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડીની શરૂઆત થતાં જ શહેરના જનજીવનમાં પણ શિયાળાની અસર જોવા મળી રહી છે. રાત્રિના સમયે બહાર નીકળતા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, જ્યારે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. બીજી તરફ, ઘરોમાં પણ શિયાળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉનાળાના દિવસોમાં કબાટમાં મુકાઈ ગયેલા સ્વેટર, શાલ અને ધાબળા હવે ફરી બહાર નીકળવા લાગ્યા છે. લોકો રાત્રિના સમયે ઠંડીથી બચવા ધાબળા અને ગરમ કપડાંનો ઉપયોગ કરવા લાગ્યા છે. જામનગરમાં શિયાળાની શરૂઆતની વધુ એક નિશાની શહેરના ઐતિહાસિક રણમલ તળાવ ખાતે જોવા મળી રહી છે. રણમલ તળાવમાં વિદેશી પક્ષીઓનું બહોળી સંખ્યામાં આગમન થઈ ગયું છે. દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષીઓ જામનગરના જળાશયો તરફ આવતા હોય છે. ત્યારે રણમલ તળાવ ખાતે પક્ષીઓની વધતી હાજરીથી પક્ષીપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓનું આગમન અને વાતાવરણમાં વધતી ઠંડક જામનગરમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ હોવાનો અહેસાસ કરાવી રહી છે. આજે દેવઉઠી એકાદશીના પાવન પર્વથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોંધાયેલા ૪થી ૫ ડિગ્રીના ઘટાડાને પગલે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેવું રહે છે તેના પર શહેરીજનોની નજર રહેશે. આમ, ધીમે ધીમે જામનગરમાં શિયાળાએ દસ્તક આપી દીધી છે અને લોકો હવે ગરમ કપડાં સાથે શિયાળાની ઋતુને આવકારવા તૈયાર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
