જામનગર: લાખાબાવળ પાસે ટ્રાફિક જામમાં સેંકડો વાહનો અટવાયાં

  • November 26, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાખાબાવળ પાસે ટ્રાફિક જામમાં સેંકડો વાહનો અટવાયાં

જામનગર-ખંભાળિયા હાઈવે પર રોજિંદા ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો પરેશાન

ઉતાવળિયા વાહનચાલકો રોંગ સાઈડમાં ઘૂસતાં સ્થિતિ વધુ ગૂંચવાઈ: પોલીસની એક કલાકની જહેમત

જામનગરખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવડ ગામના પાટિયા પાસે સવારના સમયે રોજિંદા સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજે પણ સવારના સમયે આ સ્થળે જબરો ટ્રાફિકજામ સર્જાતાં બંને તરફથી આવતા સેંકડો વાહનો અટવાઈ પડ્યાં હતાં અને લગભગ એક કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ટ્રાફિક જામ દરમિયાન કેટલાક ઉતાવળિયા વાહનચાલકો પોતાના વાહનો રોંગ સાઈડમાં ઘુસાડીને નીકળી જવાનો પ્રયાસ કરતાં રસ્તા પર ગૂંચવણભરી સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે વાહનવ્યવહારને ફરી વ્યવસ્થિત અને પૂર્વવત્ કરવા ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવા છતાં શરૂઆતમાં પોલીસની હાજરી જોવા ન મળતાં વાહનચાલકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી.

ટ્રાફિક જામની જાણ થતાં પંચકોષી બી ડિવિઝન પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રસ્તા પર અટવાયેલા વાહનોને વ્યવસ્થિત રીતે પસાર કરાવવા તેમજ રોંગ સાઈડમાં ઘૂસી ગયેલા વાહનોને નિયંત્રિત કરવા કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

​​​​​​​લાખાબાવળના પાટિયા પાસે સવારના સમયે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે વાહનચાલકોને સમયસર પોતાના ગંતવ્યસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થળે કાયમી ટ્રાફિક વ્યવસ્થા અને સવારના સમયે પોલીસની નિયમિત હાજરી રહે તેવી માંગ વાહનચાલકોમાં ઊઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application