હાલારમાં વીજકંપનીની નવાવર્ષમાં ચેકીંગની બોણી

  • November 18, 2026 11:53 AM 

હાલારમાં વીજકંપનીની નવાવર્ષમાં ચેકીંગની બોણી

ભેદભરમ: બંને જિલ્લામાં એક લાખથી વધુની ૪૪ અને પાંચ લાખથી વધુની પાવરચોરીની પાંચ ફરિયાદ 

બે દી માં ૧૫૨ કેસ: વીજતંત્રની ૪૦થી વધુ ટીમ દ્વારા કાર્યવાહી: પીજીવીસીએલ દ્વારા ચેકીંગની વિગત દરરોજ જાહેર કરવામાં ન આવતા રહસ્યની સાથે અનેક શંકા અને સવાલ

હાલારમાં વીજકંપનીએ નવાવર્ષમાં ચેકીંગથી બોણી કરી છે. કારણ કે, વીજકંપની  દ્વારા બંને જિલ્લામાં હાથ ધરવામાં આવેલી મેગા ચેકીંગ ડ્રાઇવમાં બે દીમાં ૧૫૨ કેસ કરવામાં આવ્યા છે. જેમાં એક લાખથી વધુની ૪૪ અને પાંચ લાખથી વધુની પાવરચોરીની ૫ ફરિયાદ નોંધાઇ છે. આજે પણ મેગા ડ્રાઇવ યથાવત રહેતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. વીજતંત્રની ૪૦ થી વધુ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા ચેકીંગની વિગત દરરોજ જાહેર કરવામાં ન આવતા રહસ્યની સાથે અનેક શંકા અને સવાલ ઉઠ્યા છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજતંત્ર દ્વારા લાભપાંચમ બાદ ફરી મેગા વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઝુંબેશના પ્રથમ બે દિવસમાં જ ૧૫૨ વીજચોરીના કેસ સામે આવ્યા હતા. જે કાર્યવાહી દરમિયાન નોંધાયેલી ફરિયાદોમાં પાંચ લાખ ‚પિયાથી વધુની વીજચોરીના પાંચ અને એક લાખથી વધુની વીજચોરીના ૪૪ કેસનો સમાવેશ થાય છે.બુધવારે સતત ત્રીજા દિવસે પણ બંને જિલ્લાઓમાં વીજચેકિંગની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. સોમવારે પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં વીજતંત્રની ટીમોએ મેગા ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન કુલ ૭૪ સ્થળોએ વીજચોરી પકડાઈ હતી અને તેના અનુસંધાને જામનગરના વીજ પોલીસ મથકમાં ૭૪ ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જયારે મંગળવારે સતત બીજા દિવસે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને સિક્કા, સાપર સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજતંત્રની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વીજચોરીના ૧૦૦ થી વધુ કિસ્સાઓની તપાસ કરવામાં આવી હતી. મંગળવારના દરોડા સંદર્ભે જામનગરના વીજ પોલીસ મથકમાં કુલ ૭૮ થી વધુ ફરિયાદો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુધવારે સતત ત્રીજા દિવસે પણ વીજચેકિંગની મેગા ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી હતી. જામનગર જિલ્લામાં ૪૦થી વધુ વીજતંત્રની ટીમો દ્વારા લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જામજોધપુર, ધ્રોલ, સમાણા સહિતના માર્ગો અને આસપાસનાં ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજતંત્રની ટીમો દ્વારા એકસાથે જુદા જુદા ગામમાં તપાસ કરવામાં આવતાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.દિવાળી બાદ પુન: શરૂ થયેલી આ ઝુંબેશ શુક્રવાર સુધી ચાલુ રહેવાની હોવાથી વીજચોરીના વધુ કિસ્સા સામે આવે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, બે દીવસમાં બંને જિલ્લામાં ચેકીંગ દરમ્યાન રૂ.૧ લાખથી વધુની વીજચોરીના ૪૪ અને રૂ.૫ લાખથી વધુની પાવરચોરીના ૫ કેસ નોંધાયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application