દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે સઘન પલ્સ પોલિયો એસએનઆઈડી રાઉન્ડ યોજાશે

  • November 21, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે સઘન પલ્સ પોલિયો એસએનઆઈડી રાઉન્ડ યોજાશે

આવતીકાલે જિલ્લાનાં ૪૦૦ પોલીયો બુથ પર યોજાશે રસીકરણ: અંદાજીત જિલ્લાના ૯૭૮૬૦ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક

ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૨/૧૧/૨૦૨૬ ને રવિવારના રોજ સઘન પલ્સ પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયજૂથના તમામ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવી રોગ સામે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.
​​​​​​​
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આર.સી.એચ. અધિકારીના જણાવ્યા અનુસાર, આ અભિયાન હેઠળ જિલ્લામાં અંદાજે ૯૭,૮૬૦ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. 

જેમાં, પ્રથમ દિવસ કાલે જિલ્લાભરમાં કુલ ૪૦૦ પોલિયો બુથ પર રસીકરણ કરવામાં આવશે. જેમાં તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ઉપરાંત મુસાફરોની અવરજવર ધરાવતા રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો અને ધાર્મિક સ્થળો જેવા જાહેર સ્થળોનો સમાવેશ થાય છે.

બીજો અને ત્રીજો દિવસ (તા. ૨૩ અને ૨૪ નવેમ્બર): પ્રથમ દિવસે બુથ પર રસી લેવાથી વંચિત રહી ગયેલા બાળકો માટે ૭૨૩ હાઉસ-ટુ-હાઉસ ટીમો અને ૦૭ મોબાઈલ ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને રસી પીવડાવવાની કામગીરી હાથ ધરાશે.

વિશેષ વિસ્તારો પર ખાસ ધ્યાન: જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી હાઈ-રિસ્ક વિસ્તારો, સ્લમ વિસ્તારો, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક એકમો, દુર્ગમ ઝૂંપડપટ્ટીઓ, નેસ વિસ્તારો તેમજ ૨૫ ટ્રાન્ઝિટ પોઈન્ટ પર એક પણ બાળક રસી વિના ન રહી જાય તે માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ જનજાગૃતિ અભિયાન અને નાગરિકોને અપીલ આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંગે લોકજાગૃતિ કેળવવા માટે જિલ્લાના દરેક ગામમાં માઈક પ્રચાર, મસ્જિદમાંથી એલાન, બેનર, રેલીઓ અને પોસ્ટરના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના તમામ જાગૃત નાગરિકો, વાલીઓ અને સામાજિક સંસ્થાઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના તેમજ આજુબાજુના વિસ્તારના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને રવિવારના રોજ નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે અને પોલિયો નાબૂદીના આ રાષ્ટ્રીય અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની અખબારી યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application