જામનગર: સરગવાળામાં ગેસ પાઈપલાઈન મુદ્દે ખેડૂતો પર લાઠીચાર્જ-મહિલાઓ સાથે મારપીટના આક્ષેપ

  • November 26, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સરગવાળામાં ગેસ પાઈપલાઈન મુદ્દે ખેડૂતો પર લાઠીચાર્જ-મહિલાઓ સાથે મારપીટના આક્ષેપ

ધરપકડ કરાયેલા સાત લોકોને ન્યાય આપવા રજૂઆત: આમ આદમી પાર્ટીએ જવાબદારો સામે કાર્યવાહીની કરી માંગ

ખેડૂતોની સંમતિ વિના પાઈપલાઈન નાખવા અને ઓછું વળતર આપવાના મુદ્દે મુખ્યમંત્રી તથા જામનગર કલેક્ટરને આવેદન

સરગવાળા ગામમાં ગેસ પાઈપલાઈન નાખવાના મુદ્દે ખેડૂતો સાથે થયેલા કથિત અત્યાચાર સામે આમ આદમી પાર્ટી, જામનગર દ્વારા વિરોધ નોંધાવી મુખ્યમંત્રી તથા જામનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની સંમતિ વિના જમીનોમાંથી પાઈપલાઈન નાખવાની કામગીરી, જમીનના નુકસાન સામે યોગ્ય વળતર ન મળતું હોવા તથા વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ અને મહિલાઓ સાથે મારપીટના આક્ષેપો અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, સરગવાળા ગામમાં ખેડૂતોની જમીનોમાંથી ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો સાથે યોગ્ય ચર્ચા કે સંમતિ લેવામાં આવી નથી. જમીનને થનારા નુકસાનના પ્રમાણમાં યોગ્ય વળતર ચૂકવવાને બદલે ખૂબ જ ઓછું વળતર આપવામાં આવતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા સાત લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો તેમજ વિરોધ દરમિયાન મહિલાઓ સાથે મારપીટ અને ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

આ ઘટનાને ગંભીર અને ખેડૂતોના અધિકારો સાથે જોડાયેલી બાબત ગણાવી આમ આદમી પાર્ટીએ ખેડૂતો સાથે તાત્કાલિક બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળવા, જમીનના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી વળતર ચૂકવવા અને મહિલાઓ સાથે થયેલી મારપીટ તથા લાઠીચાર્જના બનાવની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ધરપકડ કરાયેલા સાત લોકોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા તેમજ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિવાદિત પાઈપલાઈન કામગીરી અટકાવવા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટી, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને યુવા પ્રમુખ મયુર ચાવડા દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ખેડૂતોને ન્યાય અપાવવા, તેમની જમીન અને હકનું રક્ષણ કરવા તથા સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application