જામનગરની સરકારી શાળાઓમાં બાયોમેટ્રીક મશીન નહીં, શિક્ષકોની હાજરી સામે પ્રશ્ર્નાર્થ..!

  • November 20, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સરકારી શાળાઓમાં બાયોમેટ્રીક મશીન નહીં, શિક્ષકોની હાજરી સામે પ્રશ્ર્નાર્થ..!

ગંભીર છીંડા: જિલ્લા પંચાયતની ૬૬૩ શાળામાં ૩૨૦૦ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૯ શાળામાં ૪૫૦ જેટલા શિક્ષકો ફરજ બજાવતા હોવા છતાં હાજરીની સુદ્વઢ વ્યવસ્થામાં આંખ આડા કાન

ગુટલીબાજ શિક્ષકોને જલ્સા:દેવભૂમિ દ્વારકા અને અન્ય જિલ્લાની સરકારી શાળાઓમાં હાજરી માટે મશીનની વ્યવસ્થા છે તો જામનગર શહેર-જિલ્લામાં કેમ નહીં તે સળગતા સવાલ સાથે તપાસનો વિષય

જામનગર શહેર અને જિલ્લાની એકપણ શાળાઓમાં બાયોમેટ્રીક કે ફેસલેસ મશીન ન હોય શાળાઓમાં શિક્ષકોની નિયમિત હાજરી સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉઠ્યા છે. જિલ્લા પંચાયતની ૬૬૩ શાળામાં ૩૨૦૦ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૯ શાળામાં ૪૫૦ જેટલા શિક્ષકો ફરજ બજાવતા હોવા છતાં હાજરની સુદ્વઢ વ્યવસ્થામાં આંખ આડા કાન કરવામાં આવતા ગંભીર છીંડા હોય ગુટલીબાજ શિક્ષકોને મોકળું મેદાન મળી ગયું હોય જલ્સા કરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, દેવભૂમિ દ્વારકા અને અન્ય જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી માટે મશીનની વ્યવસ્થા છે તો જામનગર જિલ્લામાં કેમ નહીં  તે સળગતા સવાલ સાથે તપાસનો વિષય બન્યો છે. 

વર્તમાન સમયમાં શિક્ષણ દીન-પ્રનિદીન ખૂબજ મોંઘુ બની રહ્યું છે. ખાસ કરીને ખાનગી શાળાઓએ શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયને વેપારનું માઘ્યમ બનાવી દેતા જુદા-જુદા ઓઠા હેઠળ તોતીંગ ફી વસૂલવામાં આવતા વાલીઓ કમરતોડ આર્થિક બોજો વેંઢારી રહ્યા છે.સરકારી શાળાઓમાં શિક્ષણ ફ્રી છે. આટલું જ નહીં સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ શિક્ષણ પઘ્ધતિ, શિક્ષકોની કાર્યપ્રણાલી તથા શિક્ષણ ઉપરાંત સરકારી કામગીરીના અસહ્ય ભારણના કારણે સરકારી શાળાઓ અને શિક્ષણનો ખો નીકળી રહ્યો છે. આ કપરી સ્થિતિમાં જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રીક કે ફેસલેસ મશીનની સુવિધા ન હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. 

જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની બે પ્રકારે હાજરી પુરવામાં આવે છે. જેમાં શાળાઓમાં આચાર્યની ઓફીસમાં મસ્ટર રાખવામાં આવે છે. આ મસ્ટરમાં શિક્ષકો શાળામાં આવે ત્યારે પોતાના નામની સામે શાળામાં આગમનનો સમય અને શૈક્ષણીક કાર્ય પૂર્ણ થાય ત્યારે શાળામાંથી નીકળે ત્યારે પોતાના નામની સામે જાવકનો સમય નાંખી સહી કરે છે. તદઉપરાંત સર્વ શિક્ષા અભિયાનના પોર્ટલમાં સ્વીફટ ચેટમાં શિક્ષકોની હાજરી પુરવામાં આવે છે. જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી શાળા કે જિલ્લા પંચાયતના નેજા હેઠળ આવે છે તેમાં ૩૨૦૦ શિક્ષકો અને શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલી ૪૯ શાળામાં અંદાજે ૪૫૦ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ શહેર-જિલ્લાની એકપણ સરકારી શાળામાં શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રીક અને ફેસલેસ મશીનની સુવિધા ન હોય ગુટલીબાજ શિક્ષકોને મોકળું મેદાન મળી ગયું છે. નવાઇની વાત તો છે કે, દેવભૂમિ દ્રારકા જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી માટે વર્ષ-૨૦૧૬માં બાયોમેટ્રીક મશીનથી હાજરીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. જે આજે પણ કાર્યરત છે. તદઉપરાંત રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જિલ્લાની પસંદગીની ૧૮૩ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઓનલાઇન હાજરી નોંધવા માટે ફેસ રીડીંગ મશીન મૂકવામાં આવ્યા છે. ત્યારે જામનગર શહેર-જિલ્લાની એકપણ સરકારી શાળામાં શિક્ષકોની હાજરી માટે આ પ્રકારના મશીન શા માટે મૂકવામાં આવ્યા નથી તે ખરેખર  તપાસનો વિષય બન્યો છે.

શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી માટે મશીન ન હોય શિક્ષકો શાળામાં નિયમિત હાજર રહે છે કે કે તેની સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉઠ્યા છે. કારણ કે, હાલમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની જે હાજરી નોંધણીની પ્રક્રીયા છે તેમાં ગોબાચારીની શકયતા નકારી શકાતી નથી. સરકારી શાળાઓનું પરિણામ, ગુણોત્સવમાં દેખાવ દીન-પ્રતિદીન નબળો થઇ રહ્યો છે. જેનું એક કારણ શિક્ષકોની ઘટની સાથે જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેઓની શાળામાં ગેરહાજરી પણ છે. ત્યારે શિક્ષકો નિયમિત હાજર રહે તે માટે તેઓની હાજરી પુરવા જરૂરી બાયોમેટ્રીક અને ફેસલેસ મશીન શા માટે જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં હજુ સુધી ન મૂકી શા માટે હાજરી જેવી મહત્વની પ્રક્રીયામાં ગંભીર છીંડા રાખવામાં આવ્યા છે તે સમજાતું નથી. આટલું જ નહીં સરકારી શાળાઓમાં મશીન મૂકવા તોતીંગ ખર્ચની પણ જરૂર નથી તેમ તજજ્ઞોએ જણાવ્યું છે ત્યારે આગામી દીવસોમાં દીવાળી વેકેશન ખૂલે ત્યારબાદ સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરીની વ્યવસ્થા સુદ્વઢ બનાવવા અને ગુટલીબાજ શિક્ષકોને બોધપાઠ મળે તે માટે મશીન મૂકાશે કે કેમ તે જોવાનું રહ્યું. 

જામનગર જિ.પં.ની શાળાઓમાં હાજરીના મશીન મૂકવા ૮૦ લાખ મંજૂર કર્યા બાદમાં ફીંડલું વાળી દેવાયું
જામનગર જિલ્લા પંચાયતની સરકારી શાળાઓમાં વર્ષ-૨૦૧૯માં તત્કાલની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોની શાળાઓમાં નિયમિત હાજરી માટે ખાસ કવાયત હાથ ધરી હતી. તેઓ દરરોજ સવારે શાળાઓમાં જે મસ્ટરમાં શિક્ષકો હાજરી પુરે તેના ફોટા મંગાવતા હતાં. આટલું જ નહીં તેમણે જિલ્લા પંચાયતની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન મુકાય તે માટે જહેમત ઉઠાવતા પંચાયત દ્વારા રૂ.૮૦ લાખ મંજૂર કરાયા હતાં. પરંતુ ત્યારબાદ  તેઓની બદલી થતાં સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પુરવા માટે મશીન મૂકવાની દરખાસ્તનું ફીંડલું વાળી દેવાયું હતું. 

શિક્ષકોની હાજરી નોંધણીની પ્રક્રીયામાં આ ગોબાચારીની પૂરી આશંકા
શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં હાલમાં મસ્ટરમાં અને સર્વ શિક્ષા અભિયાનના પોર્ટલમાં સ્વીફટ ચેટમાં શિક્ષકોની હાજરીની નોંધણી થાય છે. જેમાં પુરેપુરી ગોબાચારી થવાની આશંકા છે. કારણ કે, શાળાઓમાં શિક્ષકો ન આવે તો પણ તેના નામ સામે સમય અને સહી કરી તેઓની હાજરી પુરાઇ શકે છે. જયારે એસએસએના ઓનલાઇન પોર્ટલ કે જેમાં આચાર્ય પોતાના મોબાઇલમાં ગમે તે સ્થળ પરથી શિક્ષકોની હાજરી પુરી શકતા હોય, લાગતા-વળગતા અને મળતિયા શિક્ષકો શાળાએ ન આવ્યા હોય તો પણ તેઓની હાજરી આરામથી પુરી શકતા હોય ગોબાચારીની શકયતા નકારી શકાતી નથી તેમ શિક્ષણ તજજ્ઞોએ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application