દિવાળીના પગલે જામનગરની મુખ્ય બજારોમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

  • November 05, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

દિવાળીના પગલે જામનગરની મુખ્ય બજારોમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ


જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ખરીદી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિઓ, બેંકો, આંગડિયા પેઢીઓ અને જ્વેલર્સના સંચાલકો સાથે બેઠકો યોજી સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જિલ્લા સરહદો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

દિવાળીની ખરીદી માટે શહેરનાં બજારોમાં લોકોની અવરજવર વધતાં સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા મુખ્ય બજાર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામેતી અને પીએસઆઈ એમ.એન. રાઠોડ સહિતના પોલીસ કાફલાએ બજારોમાં ફરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસ કાફલા દ્વારા બર્ધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક રોડ તેમજ ચાંદી બજારની સોની બજારથી દરબારગઢ સુધીના વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તહેવારોની ખરીદી માટે ઉમટતી ભીડ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકોની સુરક્ષા જળવાઈ રહે તથા કોઈ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે પોલીસ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારી અને પેટ્રોલિંગની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application