જામનગર: જેટકોના સબ સ્ટેશનનો વેરો વર્ષ-૨૦૧૮થી બાકી, રૂ.૧૯.૫૧ લાખ વ્યાજ ચડી ગયું..!

  • November 26, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જેટકોના સબ સ્ટેશનનો વેરો વર્ષ-૨૦૧૮થી બાકી, રૂ.૧૯.૫૧ લાખ વ્યાજ ચડી ગયું..!

૪૦.૧૬ લાખ વેરો ન ચૂકવતા ૫૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે, બેદરકારો સામે પગલાં લેવાશે?

મનપાએ સબ સ્ટેશન સીલ કરતા કોઇ ફોલ્ટ થશે તો સામાન ન મળતા ગંભીર સમસ્યાની શકયતા

જામનગરમાં મનપાએ બાકી મિલકત વેરા સબબ જેટકોનું ૬૬ કેવી સબસ્ટેશન સીલ કર્યું છે.આ પ્રકરણમાં ચોંકાવનારી હકીકતો ખૂલી છે. કારણ કે, જેટકોના સબ સ્ટેશનનો વેરો વર્ષ-૨૦૧૮થી બાકી હોય રૂ.૧૯.૫૧ લાખ વ્યાજ ચડી ગયું છે. રૂ.૪૦.૧૬ લાખ વેરો ન ચૂકવતા ૫૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે ત્યારે વેરો ચૂકવવામાં બેદરકારી દાખવનાર જેટકોના અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે સળગતો સવાલ ઉઠયો છે. આટલું જ નહીં મનપાએ સબ સ્ટેશન સીલ કરતા કોઇ ફોલ્ટ થશે તો સામાનન ન મળતા ગંભીર સમસ્યા સર્જાવાની શકયતા પણ નકારી શકાતી નથી.

જામનગરમાં કરોડોનો બાકી વેરો વસૂલવા કમિશ્ર્નરના આદેશથી મિકલત વેરા શાખા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક સાથે વેગવાન બનાવામાં આવી છે. જીઆઇડીસી વિસ્તારમાં પણ ૧૭ કરોડ જેટલો વેરો બાકી હોય વસૂલાત માટે ગઇકાલે મિલકત વેરા શાખાની ટીમ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જીઆઇડીસીમાં ફેસ-૨માં આવેલા જેટકો એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સમીશન કોર્પોરેશનનું ૬૬ કેવી સબ સ્ટેશન કે જેનો અધધધ..રૂ.૬૦.૪૪ લાખ મિલકત વેરો બાકી હોય આ સબ સ્ટેશન મનપાની મિલકત વેરા શાખાએ સીલ કરી દીધું હતું. આ પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જેટકોના આ સબસ્ટેશનનો મિકલત વેરો વર્ષ-૨૦૧૮થી બાકી છે. વર્ષ-૨૦૧૮માં મિલકત વેરો રૂ.૪૦.૧૬ લાખ ભરવાનો હતો. પરંતુ વર્ષ-૨૦૨૬ સુધી ભરપાઇ ન કરતા બાકી મિકલત વેરા પર ૮ વર્ષમાં ૫૦ ટકા જેટલું એટલે કે અધધધ..રૂ.૧૯.૫૧ લાખ વ્યાજ ચડી ગયું છે. ત્યારે જેટકોના જવાબદાર અધિકારીઓએ શા માટે મનપાનો મિલકત વેરો ન ચૂકવ્યો તે સળગતો સવાલ છે. આટલું જ નહીં વેરા પર ૫૦ ટકા વ્યાજ ચડી ગયું હોય સ્વાભાવિક રીતે આ ઘોર બેદરકારી કહેવાય, ત્યારે આ બેદરકારી દાખવનાર જેટકોના અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે પણ સળગતો સવાલ ઉઠયો છે.

સ્થાનિક અધિકારીઓ કોર્પોરેટ ઓફીસથી લીલીઝંડી મળે ત્યારે ચૂકવણું થાય તે ગાણા ગાઇ રહ્યા છે તો કોર્પોરેટ ઓફીસને બાકી વેરા માટે સમયાતંરે જાણ કરવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં જેટકોની અન્ય કચેરીનો મસમોટો મિલકત વેરો બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અન્ય મિલકતો પણ સીલ થશે કે કેમ તે જોવાનું રહ્યું. બીજી બાજુ મનપાની મિલકત વેરા શાખાના અધિકારીઓએ પણ ૮ વર્ષ સુધી ઢીલાશ કેમ દાખવી તે સવાલ પણ ઉઠયો છે. ગઇકાલની કામગીરી દરમ્યાન બાકી વેરાના આસામીઓ રૂ.૪૦ લાખના ડયુ ડેઇટના ચેક આપ્યાનું ૫ણ જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application