જામનગર: કાલાવડના ખોબા જેવડા નાગપુર ગામમાં ૩ મહિનામાં ૪૩૧ લગ્નની નોંધણીથી કૌંભાડની આશંકા

  • November 18, 2026 12:09 PM 

જામનગર: કાલાવડના ખોબા જેવડા નાગપુર ગામમાં ૩ મહિનામાં ૪૩૧ લગ્નની નોંધણીથી કૌંભાડની આશંકા

ગામમાં ફકત ૭૦૦ની વસ્તી છતાં મહીને ૧૪૩ લગ્નના રજીસ્ટ્રેશનનો આરટીઆઇમાં ઘટસ્ફોટ

હકીકત સામે આવ્યા બાદ તલાટી મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લેવાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખોબા જેવડા નાગપુર ગામમ ૩ મહીનામાં ૪૩૧ લગ્નનની નોંધણીથી કૌંભાડની આશંકા સેવાઇ રહી છે. ગામમાં ફકત ૭૦૦ની વસ્તી છતાં મહીને ૧૪૩ લગ્નના રજીસ્ટ્રેશનનો આરટીઆઇમાં ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. ૧૭૦ રહેણાંક ધરાવતા ગામમાં મોટી સંખ્યામાં લગ્ન નોંધણીથી અનેક સવાલની સાથે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે, આ સમગ્ર પ્રકરણના બહાર આવતા હરકતમાં આવેલા તંત્રએ તલાટી મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ તાકીદની અસરથી પરત લઇ લેતા ગંભીર પ્રશ્ર્નાર્થની સાથે રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે.

કાલાવડ તાલુકાના નાગપુર ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા દ્વારા લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું આરટીઆઈના જવાબમાં સામે આવ્યું છે. તા. ૩૦-૧૧-૨૦૨૫થી તા. ૨૫-૦૨-૨૦૨૬ એટલે કે ૩ મહીનાના ટૂંકા સમયગાળામાં કુલ ૪૩૧ લગ્ન નોંધાયા હોવાનું જાણવા મળતાં આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ પ્રકરણની શરૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના નાગરિક ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હોવાનું જાણવા મળ્યું છે.તેમની પુત્રીની ઉંમર ૧૮ વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે લગ્ન થઈ ગયાની જાણ થતાં અને પુત્રીએ પિતાનું ઘર છોડી દીધું હોવાની પરિસ્થિતિમાં પિતાએ લગ્ન અંગેની વિગતો મેળવવા તપાસ કરી હતી. પુત્રીના લગ્નની નોંધણી કયા સ્થળે થઈ છે તેની માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન નાગપુર ગામનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ લગ્ન નોંધણી અંગે વધુ વિગતો મેળવવામાં આવતાં એક પછી એક ચોંકાવનારી હકીકતો બહાર આવવા લાગી હતી. રાજકોટ, જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક પરિવારોનાં લગ્ન નાગપુર ગામે નોંધાયેલા હોવાનું જાણવા મળતાં આ સમગ્ર બાબત વધુ ગંભીર બની હતી.

સૌથી આશ્ર્ચર્યજનક બાબત એ છે કે જ્યાં આશરે ૭૦૦ લોકોની વસ્તી અને માત્ર ૧૭૦ જેટલાં મકાનો છે તેવા ગામમાં ત્રણ મહિનામાં ૪૩૧ લગ્નની નોંધણી થવી એ સામાન્ય બાબત નથી. આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી પાછળ કોઈ વ્યવસ્થિત નેટવર્ક કે અન્ય ગેરરીતિ કાર્યરત હતી કે કેમ તેવા સવાલો ઊઠવા લાગ્યા છે. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર સહિતના સંબંધિત વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતા તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે આ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લગ્ન નોંધણીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, નોંધણી માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો કેટલા સાચા છે, ખરેખર લગ્ન થયાં હતાં કે માત્ર કાગળ પર જ નોંધણી કરવામાં આવી હતી, તેમજ આટલી મોટી સંખ્યામાં નોંધણી પાછળ કોઈ સંગઠિત ટોળકી કાર્યરત હતી કે કેમ તે સહિતના અનેક સવાલો તપાસનો વિષય બન્યા છે. હાલ તો નાગપુર ગામમાં થયેલી ૪૩૧ લગ્ન નોંધણીનો આ મામલો જામનગર અને રાજકોટ જિલ્લાના પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આટલી નાની વસ્તી ધરાવતા ગામમાં આટલા ટૂંકા ગાળામાં થયેલી લગ્ન નોંધણીઓ પાછળનું સત્ય તપાસ બાદ જ બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application