જામનગર: દ્વારકાપીઠના શંકરાચાર્યનું સનાતન ધર્મ અને દેવી-દેવતાની ઉપાસના અંગે આકરું નિવેદન

  • November 25, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દ્વારકાપીઠના શંકરાચાર્યનું સનાતન ધર્મ અને દેવી-દેવતાની ઉપાસના અંગે આકરું નિવેદન

શાસ્ત્રો-પુરાણોમાં ઉલ્લેખ નથી તે બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો, મૂળ ધર્મગ્રંથોને વળગી રહો’

ધર્મશાસ્ત્રોે, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, કુળદેવી-કુળદેવતા અને સોમનાથ દાદાને માને તે જ સાચો હિંદુ 

અમદાવાદના વિશ્ર્વ ઉમિયાધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ અને દેવી-દેવતાઓની ઉપાસનાને લઈને કોઇપણ સંપ્રદાયનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. વધુમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાનું ટાળવું, તેમને ભગવાન માનીને પૂજા કરવાની જરૂર નથી. તેમણે મુંબઈના બોલિવૂડે આવા દેવી-દેવતાને ઉભા કર્યા હોવાના આક્ષેપ પણ કર્યાં હતા.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હિંદુઓને પોતાના વડીલોની પરંપરા મુજબ શિવ-શક્તિ, પંચદેવ અને કુળદેવી-કુળદેવતાની ઉપાસના કરવા અપીલ કરી હતી. સાથે જ સાચા હિંદુની વ્યાખ્યા સમજાવી મૂળ સનાતન પરંપરાથી ભટકતા લોકોને સીધો સંદેશ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્માવંબીઓ પંચદેવો અને શિવ-શક્તિની ઉપાસના કરે છે, તેથી દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. આપણા પૂર્વજો પિતા, દાદા, નાના અને તેમની અગાઉની પેઢીઓ જે દેવી-દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તેમની જ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી તેવા બનાવટી કે નકલી દેવી-દેવતાઓની પૂજા કરવાની કોઈ જરૂર નથી.

ગંગા નદીની ધારાનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, જેમ ગંગા ગંગાસાગરમાં મળે છે અને તેમાં ગમે ત્યાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, તેમ આમતેમ ભટક્યા વિના મૂળ ધારા અને મૂળ ધર્મગ્રંથોને વળગી રહેવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, અઢાર પુરાણ અને ચાર વેદ સિવાયના નવા-નવા લખાણોમાં દૂધમાં પાણી ભેળવવા જેવી પ્રવૃત્તિ થઈ રહી છે તેમ જણાવી ભવિષ્યમાં આવી બાબતો સામે ચેતવણી આપી હતી. અંતમાં તેમણે હિંદુ અને સનાતન ધર્માવંબીની વ્યાખ્યા સ્પષ્ટ કરતા કહ્યું કે જે પંચદેવની ઉપાસના કરે, ધર્મશાસ્ત્રોને માને, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, ઉમિયા માતા, અંબાજી, આશાપુરા, પોતાના કુળદેવી-કુળદેવતા અને સોમનાથ દાદાને માને તે જ સાચો હિંદુ છે અને આ જ હિંદુત્વના લક્ષણો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application