ખંભાળિયામાં બંધ મકાનમાંથી ૩.૩૯ લાખના દાગીનાની ચોરી

  • November 21, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં બંધ મકાનમાંથી ૩.૩૯ લાખના દાગીનાની ચોરી

ગાયત્રીનગર વિસ્તારમાં મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરો ત્રાટક્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. ૩.૩૯ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી જતાં ચકચાર મચી છે.

આ પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ અહીંના ખોડીયાર ચોક નજીક રહેતાં અલ્પાબેન રણજીતદાન ગઢવી પોતાની પુત્રી સાથે માતાના ઘરે રોકાવા ગયાં હતાં. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી રૂ. ૩.૧૨ લાખની કિંમતના સાત તોલાના સોનાના દાગીના તથા રૂ. ૨૭ હજારની કિંમતનો ચાંદીનો અંકોડો મળી કુલ રૂ. ૩.૩૯ લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો.

બાદમાં પુત્રી ઘરે આવતાં દરવાજાનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેરવિખેર જોવા મળતાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અલ્પાબેનની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીના બનાવો બહાર આવી રહ્યાં છે. તાજેતરમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા બાદ ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં તસ્કરો ૩ લાખથી વધુનો મુદામાલ ઉસેડી ગયાનો બનાવ સામે આવ્યો છે.મામલો પોલીસમાં પહોંચતા આ અંગે પોલીસ ટુંકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, આજુબાજુના કુટેજ ચેક કરવામાં આવી રહયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application