જામનગર: જોલીબંગલા પાસે તમાકુ, પાનમસાલા અને સિગારેટનો શંકાસ્પદ જથ્થો ઝબ્બે

  • November 21, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોલીબંગલા પાસે તમાકુ, પાનમસાલા અને સિગારેટનો શંકાસ્પદ જથ્થો ઝબ્બે

રાજકોટ રેન્જની ટીમનો દરોડો : બિલ-પુરાવા વગરનો ૧૫.૪૧ લાખનો મુદામાલ કબ્જે : ચાર શખ્સોની અટકાયત

જામનગર શહેરના જોલીબંગલા વિસ્તારમાં રાજકોટ રેન્જની પોલીસ ટીમે દરોડો પાડી બિલ કે ખરીદ-વેચાણના કોઈપણ પ્રકારના આધારભૂત પુરાવા વગરનો પાનમસાલા, તમાકુ અને સિગારેટનો મોટો જથ્થો શંકાસ્પદ મુદામાલ તરીકે કઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ ૧૫,૪૧,૪૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં બિલ કે આધારભૂત પુરાવા વગર પાનમસાલા, તમાકુ અને સિગારેટનું વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન જામનગરના જોલીબંગલા વિસ્તારમાં કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસે કેટલાક શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બિલ વગરનો શંકાસ્પદ પાનમસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં રાજકોટ રેન્જની ટીમે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી વિમલ પાનમસાલા, સિગ્નેચર પાનમસાલા, ફોર સ્ક્વેર સિગારેટ તેમજ બાગબાન તમાકુનાં નાનાં-મોટાં પાઉચ અને ટીનના ડબ્બા સહિતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર હાજર રહે. લીંડીબજાર બિબોડી ફળીમાં રહેતા આમદ ગની મેમણ પાસેથી પાનમસાલાના ૧૦૭૦ પેકેટ, સિગરેટના ૧૧૮ પેકેટ, બાગબાન ૧૩૮ તમાકુના ૬૦ પાઉચ, તમાકુના ૧૫ ડબા,  બિબોડી ફળીમાં રહેતા કાદર ગની ફુલવાડી તેની પાસેથી બાગબાન તમાકુના ૨૦ પાઉચ, ૪૦ ટીનના ડબા, વિમલના ૧૪૫૬ નાના પાઉચ, ૨૪૦ મોટા પાઉચ,  મયુરગ્રીનમાં રહેતા મુકેશ પ્રભુલાલ જેસાણી પાસેથી બાગબાન તમાકુના ૮૦ પાઉચ, તમાકુના ૬૦ ડબ્બા અને પટેલ કોલોની રોયલ હાઇટસ ખાતે રહેતા દીપક રમણીક સોનછાત્રાની પાસેથી બાગબાનના ૪૦ પાઉચ, વિમલના ૬૨૪ નાના પાઉચ શંકાસ્પદ મળી આવી હતી અને આ ચાર શખ્સોની પૂછપરછ કરી હતી.જોકે, પાનમસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા અંગે ચારેય શખ્સો કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હતા તેમજ ખરીદ-વેચાણનાં અધિકૃત બિલ કે અન્ય આધારભૂત પુરાવા પણ રજૂ કરી શક્યા ન હોવાથી પોલીસે વિવિધ બ્રાન્ડનો કુલ ૧૫,૪૧,૪૦૦ની કિંમતનો શકપડતી મિલકત તરીકે મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ચારેય શખ્સો અને જપ્ત કરાયેલો જથ્થો વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.

ઉપરોકત કાર્યવાહી રેન્જ ટીમના પીઆઇ અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મિતેશ પટેલ, કમલેશ રબારી, વિપુલ મોરી, પરેશ સાંજવા, ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application