જામનગર: વેપારી વિસ્તારમાં સીસી રોડની શું જરૂર?, ડામરમાં શું વાંધો છે?

  • November 14, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વેપારી વિસ્તારમાં સીસી રોડની શું જરૂર?, ડામરમાં શું વાંધો છે?

વિરોધનો વંટોળ: મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનના વોર્ડ નં.૯ માં દીપક ટોકીઝથી ચાંદીબજાર સુધીનો માર્ગ કામ માટે ૩૫ દી બંધ રાખી વેપારીઓને યાતના પાછળ કોનો કારસો સો મણનો સવાલ

ગણતરીના દીવસોમાં કામ પુરૂ થાય તે ડામર રોડ શું કામ નહીં..?: કોન્ટ્રાકટરોને કમાવવાનો કીમીયો, અન્ય કોઇના લાભાર્થે નિર્ણય સહીત તરેહ-તરેહની જોરશોરથી ચર્ચા: ટ્રાફીક,પાર્કીગની સમસ્યા માઝા મૂકશે

જામનગરના વોર્ડ નં.૯ ના વેપારી વિસ્તારમાં સીસી રોડના નિર્ણય સામે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે આ અણધડ નિર્ણય કોના લાભાર્થે કરવામાં આવ્યો તે અણિયારો સવાલ ઉઠ્યો છે. મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડમાં દીપક ટોકીઝથી ચાંદીબજાર સુધીનો માર્ગ કામ માટે ૩૫ દીવસ બંધ રાખી વેપારીઓને યાતના આપવા પાછળ કોનો કારસો છે તે મુદો તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં વેપારી વિસ્તારમાં ગણતરીના દીવસોમાં કામ પુરૂ થાય તે ડામર રોડને બદલે કોન્ટ્રાકટરોને કમાવવા આ કીમીયો કરવામાં આવ્યા સહીત તરેહ-તરેહની ચર્ચા પણ વેપારીઓ અને રહેવાસીઓમાં જોરશોરથી થઇ રહી છે. એક હકીકત એ પણ છે કે, આ માર્ગની કામગીરીથી આ વિસ્તારમાં ટ્રાફીક અને પાર્કીંગની સમસ્યા માઝા મૂકશે.

જામનગરના વોર્ડ નં.૯ માં સતત ટ્રાફીકથી ધમધમતા અને વેપારી વિસ્તાર દીપક ટોકીઝથી ચાંદીબજાર પોસ્ટ ઓફીસ સુધીના માર્ગને સીસી રોડ કરવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ માર્ગનું કામ આવતીકાલથી શરૂ થવાનું હોય મનપાએ આ માર્ગ તા.૧૫ નવેમ્બરથી ૨૦ ડીસેમ્બર એટલે કે ૩૫ દીવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેનું જાહેરનામું બહાર પાડયું છે. વૈકલ્પીક માર્ગ તરીકે દીપક ટોકીઝ સજુબા સ્કૂલથી સુભાષ શાક માર્કેટ, દરબારગઢ થઇ ચાંદીબજાર સર્કલ રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે. પરંતુ મનપાના આ સીસીરોડના કામ સામે આ વિસ્તારના વેપારીઓમાં ભારે વિરોધનો વંટોળ ઉઠયો છે. આટલું જ નહીં વેપારીઓએ તાકીદની અસરથી આ માર્ગનું કામ મોકૂફ રાખવા કમિશ્ર્નર સહીત મનપાના પદાધિકારીઓને આવેદન પાઠવ્યું છે. જેમાં જેમાં સમયમર્યાદામાં કામ પૂર્ણ થતા નથી, ટ્રાફીકની પારવાર સમસ્યા તથા આ માર્ગ પર બે મોટા ધાર્મિક આસ્થાના સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર,અનાજ બજાર સહિત અનેક ચીજવસ્તુઓની હેરાફેરી અને સપ્લાય કરવામાં આવતો હોવાથી જો માર્ગ પર અવરજવર ખોરવાય તો વેપાર-વાણિજ્ય અને સપ્લાય વ્યવસ્થા પર ખૂબજ માઠી અસર થશે તેમ જણાવ્યું છે. તદઉપરાંત વૈકલ્પિક માર્ગ પર પહેલેથી જ ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવશે તો ટ્રાફિક તથા પાર્કીંગની સમસ્યા માઝા મૂકશેે તેમ ભારપૂર્વક જણાવ્યું છે.

બીજી બાજુ વોર્ડ નં.૯ કે જે વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે આ વોર્ડના વેપારીઓને વિશ્ર્વાસમાં લીધા વગર મહત્વના માર્ગને સીસી રોડ બનાવવાનો નિર્ણય કોના લાભાર્થે લેવાયો તે સળગતો સવાલ ઉઠયો છે. આટલું જ નહીં  મનપાના મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડમાં દીપક ટોકીઝથી ચાંદીબજાર પોસ્ટ ઓફીસ સુધીનો અતિ મહત્વનો માર્ગ ૩૫ દીવસ કામ માટે બંધ રાખી વેપારીઓ અને રહેવાસીઓને યાતના આપવા પાછળ કોનો કારસો છે તે અણીયારો સવાલ પણ ઉઠયો છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, શહેરના અતિવ્યસ્ત અને વેપારી વિસ્તારમાં ડામર રોડનું કામ કે જે ગણતરીના દીવસોમાં પૂર્ણ થઇ જાય છે છતાં સીસી રોડનું કામ કે જે એક, બે નહીં ૩૫ દીવસ સુધી ચાલુ રહેતા ટ્રાફીક,પાર્કીંગ સહીતની સમસ્યા હદ વટાવશે તેમાં બેમત નથી અને આ ઉદભવનારી મુશ્કેલીઓથી મન૫ાના અધિકારીઓ અને પદાધિકારીઓ સારી રીતે વાકેફ હોવા છતાં વેપારી વિસ્તારમાં ડામર રોડને બદલે સીસી રોડ બનાવવાનો નિર્ણય કોન્ટ્રાકટરોને કમાવવાનો કીમીયો છે, અન્ય કોઇના લાભાર્થે કરવામાં આવ્યો છે તે સહીતની તરેહ-તરેહની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, વોર્ડ નં.૯ માં દરેક ચૂંટણીમાં મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મત આપી વિજય બનાવ્યો છે, ત્યારે ભાજપના ગઢ ગણાતા મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના આ વોર્ડમાં ડામર રોડના બદલે સીસી રોડનો અણધડ, અવિવેકી નિર્ણય કરતા વેપારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ થતાં ન હોય, ટ્રાફીકની પારવાર સમસ્યા સહીતના કામ કારણો દર્શાવી માર્ગનું કામ બંધ રાખવા માટે આવેદન આપવું પડે તેનાથી મોટી દુ:ખની વાત બીજી હોઇ શકે.

છાશવારે વિરોધ કરી લીંબડ જશ ખાટતા કોંગ્રેસ અને આપના આગેવાનોનું સૂચક મૌન ટીકાપાત્ર:
જામનગર મહાનગરપાલીકાની કામગીરી અને નિર્ણય સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છાશવારે વિરોધ પ્રદર્શન કરી લીંબડ જશ ખાટતા હોય છે. ત્યારે શહેરના વોર્ડ નં.૯ના મહત્વના વેપારી વિસ્તારમાં સીસી રોડની કામગીરી અંતર્ગત ૩૫ દીવસ સુધી મુખ્ય માર્ગ બંધ રાખવાના મનપાના નિર્ણય સામે વેપારીઓએ આવેદન પાઠવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આમ છતાં વેપારીઓના અતિમહત્વના મુદે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો ચૂપકીદી સેવતા શાસકપક્ષ સાથે ઇલુ-ઇલુ, ભાગબટાઇ સહીતના અણીયારા સવાલ ઉઠ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application