જામનગરમાં સજુબા સ્કૂલથી ચાંદીબજાર સુધી સીસી રોડના કામ પર હાલ બ્રેક
જામનગર શહેરના રાજાશાહી સમયના રાજમાર્ગ સમાન સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી ઉપાશ્રય રોડ થઈ ચાંદી બજાર અને માંડવી ટાવર સુધીના હાલના ડામર માર્ગને સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડમાં પરિવર્તિત કરવાની મનપાની કામગીરી પર હંગામી બ્રેક લાગી છે. વેપારીઓ અને રહેવાસીઓની ઉગ્ર રજૂઆતને પગલે મનપા દ્વારા આ કામગીરી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ માર્ગ બંધ રાખવાથી વેપારીઓના ધંધા-રોજગારને થનારી સંભવિત નુકસાની તેમજ સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને પડનારી હાલાકી સહીત અન્ય ચોંકાવનાર મુદાઓ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જામનગરમાં દીપક ટોકીઝ સજુબા સ્કૂલથી ચાંદીબજાર પોસ્ટઓફીસ સુધી સીસી રોડના કામ માટે મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫ ઓક્ટોબરથી આ માર્ગ બંધ રાખવાની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જોકે, આ માર્ગ પર આવેલી દુકાનોના વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને જૈન અગ્રણીઓ દ્વારા આટલો લાંબો સમય રસ્તો બંધ રાખવાથી વેપાર-ધંધા ઉપરાંત દૈનિક અવરજવર અને આવશ્યક સેવાઓને અસર થવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવી ફેરવિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી.
રજૂઆતમાં વેપારીઓ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે, જો રોડનું કામ હાથ ધરવામાં આવે તો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે ચુસ્ત સમયપત્રક નક્કી કરવામાં આવે અને સમગ્ર માર્ગ એકસાથે બંધ કરવાને બદલે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવે. જેથી લોકોને આવશ્યક અવરજવર અને ઇમરજન્સી સમયે મુશ્કેલી ન પડે તેમજ વેપારીઓના ધંધા-રોજગાર પણ ચાલુ રહી શકે.વેપારીઓ અને રહેવાસીઓની રજૂઆતને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતી સીસી રોડ બનાવવાની કામગીરી મુલતવી રાખવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વિસ્તારના વેપારીઓ, રહેવાસીઓ અને સંબંધિત અગ્રણીઓના અભિપ્રાયો મેળવવામાં આવશે. ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.આમ, સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની રજૂઆતને પગલે હંગામી ધોરણે માર્ગ બંધ કરવાની અને સીસી રોડ બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવતાં વિસ્તારના વેપારીઓ, રહેવાસીઓ તથા વાહનચાલકોને હાલ પૂરતી રાહત મળી છે.