ખંભાળીયામાં ૩૦ દિવસથી ચાલતું સફાઈ કર્મીઓનું આંદોલન આખરે સમેટાયું

  • November 20, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં ૩૦ દિવસથી ચાલતું સફાઈ કર્મીઓનું આંદોલન આખરે સમેટાયું

ધારાસભ્ય મુળુભાઇ બેરા અને નવા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની મધ્યસ્થીથી સુખદ સમાધાન: આવતીકાલથી ગંદકીના ત્રાસમાંથી મળશે મુક્તિ

ખંભાળિયા શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા સફાઈ કામદારોના આંદોલન અને હડતાળનો આખરે ગઈકાલે સુખદ અંત આવ્યો છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો અને અગાઉ થયેલા સમાધાનના અમલની માંગ સાથે છેલ્લા ૩૦ દિવસથી ચાલતું ઉપવાસ આંદોલન તથા હડતાળ નવા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની સફળ મધ્યસ્થી અને પ્રશ્નોના યોગ્ય ઉકેલની ખાતરી મળ્યા બાદ સમેટી લેવામાં આવ્યા છે. આ સમાધાન પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, નગરપાલિકા પ્રમુખ વિજય કણઝારીયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીમાં આંદોલનકારી કર્મચારીઓને પારણાં કરાવીને વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો.

સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે શહેરના નગરગેઇટ, જોધપુર ગેઇટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા હતા અને ગટરો છલકાતા પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી હતી, પરંતુ હવે સમાધાન થતા આજથી જ કર્મચારીઓ ફરીથી પોતાની ફરજ પર હાજર થઈને શહેરની સફાઈ કામગીરી શરૂ કરી રહ્યા છે. 

આ ઉપરાંત, શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત સ્વસહાય જૂથોમાંથી અંદાજે ૧૦૦ જેટલા નવા સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. નવા કર્મચારીઓની ભરતી અને હડતાળ સમેટાઈ જવાથી હવે ખંભાળિયાના નાગરિકોને ગંદકી અને દુર્ગંધની ગંભીર સમસ્યામાંથી કાયમી રાહત મળવાની આશા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application