જામનગર: આજે વિશ્ર્વ ડાયાબીટીસ દિવસ: આયુ. તજજ્ઞ ડોકટર દ્વારા મહારોગથી બચવા અપાયું માર્ગદર્શન
આજના યુગમાં હૃદયરોગ, બ્લડપ્રેસર, કેન્સર વગેરેની જેમ ડાયાબિટીસનાં રોગનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ઘણાં જુનાં કાળથી માનવીને પીડતા અને આખા શરીરનું આરોગ્ય કથળાવતો આ રાજરોગ મધુપ્રમેહ (ડાયાબિટીસ) વિશે આયુર્વેદનાં મહર્ષિ ચરક, સુશ્રુતે રસપ્રદ વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં કરેલ છે. જીવનભર પરેશાન કરનારા આવા મહારોગથી બચવા પ્રયત્ન કરવો, તે સૌ કોઈની ફરજ છે.
ડાયાબીટીસનો રોગ દિન-પ્રતિદિન વધતો જાય છે, ત્યારે તેનાથી બચવા, તેને રોકવા માટે કેટલીક ઉપયોગી ટીપ્સ: શરીરનું વધારે પડતું વજન વધવા ન દેવું. ચાલીસ વર્ષની ઉમર બાદ તો આ બાબતે દરેક વ્યક્તિએ સજાગ રહેવું હિતાવહ છે.
આચાર્ય ચરકે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થવાનાં મુખ્ય કારણોમાં જણાવ્યું છે કે, ખોરાકમાં પોતાની જીભને વશમાં ન રાખી શકનાર અર્થાત વધારે પડતું ખાનારને અને પગે ચાલવાનો કંટાળો કરનાર અર્થાત બેઠાડંર જીવન જીવવાવાળાને આ રોગ ભરડો લે છે, આ બાબત ધ્યાનમાં રાખવી.
કુટુંબમાં કોઈને આ રોગ છે કે કેમ? તે જાણી લેવું, જો તે હોય તો પોતે એના ભોગ બનવાની શકયતા ધ્યાનમાં રાખવી. સાવચેતીનાં પગલાં તરીકે વધારે પડતી મીઠાઈ અને વધારે પડતું ન ખાવું, વજનનો વધારો થતો રોકવો, સમયાંતરે લોહી અને પેશાબની તપાસ કરાવવી.
મોડા ઉઠવાની આદત, બપોરે જમ્યા પછીની દિવસની વધુ ઉંઘ , બેઠાડું-આળસું જીવન છોડવું જ રહ્યું. દરરોજ નિયમિત કસરત કરવી, યોગાસનો કરવા, તેમજ ઝડપથી ચાલવું જરૂરી છે. વારંવાર મીઠી ચા કે કોફી પીવાનું વ્વસન પણ છોડવું હિતકારક છે. પચવામાં ભારે, દહીં વગેરે જેવા ચીકણાં પદાર્થો, ગળ્યાં દ્રવ્યો, ઠંડાં પદાર્થો, કોલ્રીકસ, આઇસ્ક્રીમ વગેરે બહુ વધારે પ્રમાણમાં લેવા નહી.
કફ પ્રકૃત્તિવાળી વ્યક્તિ કફ કરનાર પદાર્થો (જેમ કે વધુ પ્રમાણમાં દૂધ પીવું, વધુ પ્રમાણમાં દહીં ખાવું, ગોળ નાખેલા પદાર્થોનું વધારે સેવન કરવું) નું વધુ પ્રમાણમાં સેવન કરે તો, સુખી-એશ-આરામી વ્યક્તિ અને સ્વાદપ્રિય તથા ઉઘણશી વ્યક્તિ ડાયાબિટીસના સકંજામાં ઝડપથી આવી જાય છે. પોષ્ટિક ખોરાક ખાઇ શરીર શ્રમ વિના વેપાર - રોજગાર કરતા સુખી વેપારીઓ, વેપાર ધંધામાં વારંવાર ચિંતા કરવી, વ્યાયામ અને હરવું-ફરવું-ચાલવાની કસરત પણ ઓછી કરનાર, તેમજ જુદી જુદી મહત્વાકાંક્ષાથી ભરેલા અન્ય માણસો કે જે માનસિક રીતે પૂરતો આરામ કરતા નથી, તેઓ સજાગ રહે !
દેનિક ખોરાકમાં શકય એટલા વધુ પ્રમાણમાં ખોરાક સાથે સૂકી-લીલી હળદર, મેથી, કારેલા, સૂકા-લીલાં આમળાં, આદુ, હરડે, મામેજવો, રસાયણ ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ, સાચું મધ વગેરે લેવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. નાના બાળકોને કડવાણી આપવી હિતકારક છે. ડાયાબિટીસને આગળ વધતો અટકાવવા માટે ખાન પાન બાબતમાં લોક જાગુતિ આવશ્યક છે.
બાળકોને થતું ડાયાત્રિટીસ - જુવેનાઇલ ડાયાબિટીસ બાળકોની અયોગ્ય રહેણીકરણીને કારણે થાય છે. જંક ફૂડનું જે પશ્ચિમી કલ્ચર બાળકોમાં અપનાવાઇ રહ્યું છે, તેને કારણે તેમના સ્વાસ્થ્યમાં ઘણાં ફેરફાર થાય છે. આ પ્રકારનું ડાયાબિટીસ ઘણીવાર વારસાગત હોય છે, અને ક્યારેક સ્થૂળતાને કારણે પણ થાય છે.
ડાયાબિટીસનાં દર્દીઓએ આ રોગનાં દર્દી જો ખાવાની બાબતમાં પોતાની જાતને કાબૂમાં રાખી શકે તો ડાયાબિટીસ અંકુશમાં રહે છે. ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિએ નિયમિત તેમનું બ્લડ સુગર ચેક કરાવવું અત્યંત આવશ્યક છે. પોતાના પગની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. નિયમિત યોગાસનો અને કસરત કરવાથી પણ ડાયાબિટીસને અંકુશમાં રાખી શકાય છે. જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો અંધાપો, હૃદયરોગ, કિડનીની બિમારી જેવા મહારોગને નોતરે છે.