BREAKING NEWS

અનધિકૃત પેટ્રોલિયમના બે કેસમાં ૧.૨૫ લાખ લીટર જથ્થો રાજ્ય સાત, રૂ. 51 લાખનો દંડ

  • July 31, 2026 08:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ દરમિયાન અનધિકૃત રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના સંગ્રહ અને વેચાણ સામે કરવામાં આવેલી બે મોટી કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માલિયાસણ સ્થિત મારૂતિ પેટ્રોલિયમ અને ધમલપર સ્થિત બજરંગ ટ્રેડિંગના રિમાન્ડ કેસોની સુનાવણી પૂર્ણ થયા બાદ એક કેસમાં સમગ્ર ૧,૦૫,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી રાજ્યસાત કરવાનો જ્યારે બીજા કેસમાં ૨૦,૦૦૦ લીટર પેટ્રોલિયમ રાજ્યસાત કરવાની સાથે બાકીના જથ્થા બદલ રૂ. ૫૧ લાખનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તત્કાલીન જિલ્લા પુરવઠા અધિકારી તથા તેમની ટીમે બાતમીના આધારે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ રાજકોટના માલિયાસણ ખાતે આવેલી મારૂતિ પેટ્રોલિયમ પેઢી પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનધિકૃત રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી કુલ ૧,૦૫,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આવશ્યક ચીજવસ્તુની કલમ હેઠળ કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો હતો. પ્રાથમિક તબક્કે સમગ્ર જથ્થો રાજ્યસાત કરવાનો હુકમ થયો હતો, પરંતુ અપીલ બાદ કોર્ટ દ્વારા કેસ રિમાન્ડ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ બાદ ફરી સુનાવણી પૂર્ણ થતાં જથ્થાના માલિક ભરતભાઈ વશરામભાઈ રામાણી વિરુદ્ધ સમગ્ર ૧,૦૫,૦૦૦ લીટર પેટ્રોલિયમ રાજ્યસાત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ જ દિવસે ધમલપર ખાતે આવેલી બજરંગ ટ્રેડિંગ પેઢી પર પણ તત્કાલીન જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અહીંથી પણ કુલ ૧,૦૫,૦૦૦ લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અપીલ બાદ કોર્ટના રિમાન્ડ અનુસાર કેસની પુનઃ સુનાવણી કરવામાં આવી હતી. રિમાન્ડ કેસના અંતિમ નિર્ણયમાં કલેક્ટરે બજરંગ ટ્રેડિંગના માલિક દિપેશભાઈ હસમુખભાઈ મહેતા વિરુદ્ધ જપ્ત કરાયેલા જથ્થામાંથી ૨૦,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી રાજ્યસાત કરવાનો તેમજ બાકીના ૮૫,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહીની કુલ કિંમતના આધારે રૂ. ૫૧ લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application