જામનગરમાં પાણીના પોકારના પડઘમ, ૨૫ માંથી ૧૩ ડેમ ખાલી..!
મોકાણ: જિલ્લાના જળાશયોમાં ફકત ૧૧.૭૧ ટકા જળરાશી ઉપલબ્ધ, નર્મદાના નીર એકમાત્ર આધાર, જળમાંગ પૂરી કરવા તંત્રની મથામણ અને દોડધામ
વરસાદ ખેંચાતા દીન-પ્રતિદીન બગડતું પાક અને પાણીનું ચિત્ર: જો આ જ સ્થિતિ રહી તો શહેરમાં એકાંતરા પાણી વિતરણ મનપા માટે મોટો પડકાર બનશે
જામનગરના ૨૫ માંથી ૧૩ ડેમ ખાલી થતાં પાણીના પોકારના પડઘમ શરૂ થયા છે. જિલ્લાના જળાશયોમાં ફકત ૧૧.૭૧ ટકા જળરાશી ઉપલબ્ધ હોય નર્મદાના નીર એકમાત્ર આધાર રહ્યો છે. આથી જળમાંગ પૂરી કરવા તંત્ર મથામણ સાથે દોડધામ કરી રહ્યું છે. વરસાદ ખેંચાતા દીન-પ્રતિદીન પાક અને પાણીનું ચિત્ર બગડી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો શહેરમાં એકાંતરા પાણી વિતરણ મનપા માટે મોટો પડકાર બનશે તેમાં બેમત નથી.
જામનગરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ જૂન બાદ વિધિવત ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ ચોમાસાને બે મહીના કરતા વધુ સમય થવા છતાં જિલ્લામાં ફકત અત્યાર સુધીમાં ૨૯ ટકા જેટલો વરસાદ થતા ૭૧ ટકા ઘટ પ્રર્વતી રહી છે. જેના કારણે પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. જામનગર જિલ્લામાં ૨૭ ઓગષ્ટની સ્થિતિએ ૨૫ જળાશયોમાંથી અડધાથી પણ વધુ એટલે કે ૧૩ ડેમ ખાલી થઇ ગયા છે. ૧૨ ડેમ પૈકી એકમાત્ર ઉમિયાસાગરમાં ૫૪ ટકા જળરાશી છે. જયારે અન્ય ૧૦ ડેમમાં ૫૦ ટકાથી ઓછું પાણી છે. હાલમાં તો શહેર-જિલ્લામાં જળમાંગને પહોેંચી વળવા નર્મદાના નીર એકમાત્ર આધાર રહ્યો છે.
જામનગર જિલ્લાના જે ૧૩ ડેમમાં નહીંવત પાણી એટલે કે ખાલી થવાના આરે છે તેમાં સસોઇ, ફુલઝર-૨, રંગમતી, વીજરખી, સપડા, વોડીસાંગ, ફોફળ-૨, કંકાવટી, ઉંડ-૧, ઉંડ-૨,રૂપાવટી, સસોઇ-૨, વનાણાનો સમાવેશ થાય છે. જયારે ૨૭ ઓગષ્ટની સ્થિતિએ અન્ય ૧૨ ડેમમાં એક સીવાય અન્ય ડેમમાં ૫૦ ટકાથી ઓછી જળરાશી ઉપલબ્ધ છે. જેમાં પન્નામાં ૩૪.૩૯ ટકા, સપડામાં ૧૪.૧૯ ટકા, ઉંડ-૩માં ૧૫.૬૧ ટકા, ફુલઝર-૧માં ૧૬.૧૭ ટકા, ડાઇમીણસારમાં ૧૪.૪૭ ટકા, આજી-૪ માં ૧૪.૪૭ ટકા, વાગડીયામાં ૧૩.૩૫ ટકા, ફુલઝર કોટડાબાવીસીમાં ૨૪.૬૮ ટકા, ઉંંડ-૪ માં ૩૪.૫૭ ટકા બાલંભડીમાં ૪૦.૨૯ ટકા અને રણજીતસાગરમાં ૩૬.૧૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી શહેર-જિલ્લામાં પાણીની મોકાણ ધીમે-ધીમે તીવ્ર બનતી જાય છે. ચોમાસાની સીઝનને હવે દોઢેક મહીનો બાકી છે. ત્યારે જો આગામી દીવસોમાં મેઘરાજા મહેર નહીં કરે તો પાણીની સ્થિતિ કપરી બનશે તેમાં બેમત નથી. હાલમાં તો શહેર-જિલ્લામાં નર્મદાના નીર એકમાત્ર આધાર છે. કારણ કે, શહેરને પાણી પુરૂ પાડતા જળાશયો રણજીતસાગર, ઉંડ-૧ અને સસોઇ ડેમમાં હવે ગણતરીના દીવસો ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે. થોડા દીવસો પહેલા આ જળાશયોમાં સૌની યોજના થકી નર્મદાના નીર ઠલવાયા હતાં. પરંતુ જળાશયોમા દીન-પ્રતિદીન ઘટતી જળરાશીથી જળમાંગને કેમ પહોંચી વળવું તે તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. બીજી બાજુ જળાશયો ખાલી થઇ રહ્યા છે તો ખેતરોમાં આવેલા બોર અને કૂવામાં પણ પાણી ડૂકી જતાં પાક અને પાણીનું ચિત્ર દીન-પ્રતિદીન ધૂંધળું નહીં પરંતુ બગડી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો શહેરમાં પણ આગામી દીવસોમાં એકાંતરા પાણી વિતરણ કરવો એ મનપા માટે એક મોટો પડકાર બની રહેશે તેમાં બેમત નથી.