જેતપુર :- જેતપુર શહેરમાં એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલા ૧૫ વર્ષીય વિદ્યાર્થીનું અચાનક હૃદયરોગનો હુમલો આવવાના કારણે કરૂણ મોત નિપજ્યું છે. ત્રણ ભાઈઓ વચ્ચે એકના એક પુત્રના અકાળે મોતથી પરીવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. ધોરણ ૧૦માં અભ્યાસ કરતો ૧૫ વર્ષીય પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા નામનો કિશોર પોતાનું ટ્યુશન પતાવીને મિત્ર સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક તેના મોપેડમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. પેટ્રોલ પૂરું થઈ જતાં સાથી મિત્ર અને પૂર્વ મોપેડને પગપાળા દોરાવીને લઈ જઈ રહ્યો હતાં. આ શારીરિક શ્રમ દરમિયાન અચાનક જ તેને છાતીમાં ઉપડેલા દુખાવા સાથે હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તે રસ્તા પર ઢળી પડ્યો હતો. પર્વને રસ્તા પર ઢળી પડતો જોઈ તેની સાથેના અન્ય સાથી વિદ્યાર્થીઓ તુરંત જ તેની મદદે દોડી આવ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ત્યાં સવારનો સમય હોય હજુ તબીબ આવ્યા ન હોવાથી ત્યાંથી સરકારી હોસ્પીટલ લઈ ગયા હોસ્પીટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. મૃતક પૂર્વનું હૃદય જન્મજાત કે અગાઉની બીમારીના કારણે માત્ર ૩૦ ટકા જ કામ કરતું હતું. જેના કારણે તબીબોએ તેને કોઈપણ પ્રકારનો શારીરિક શ્રમ કે ભારે મહેનતવાળું કામ ન કરવાની ખાસ સલાહ આપી હોવાનું પરીવરજનો પાસેથી જાણવા મળેલ હતું. પરંતુ મોપેડ બંધ પડી જતાં તેને નાછૂટકે ધક્કો મારવો પડ્યો હતો, જે શારીરિક શ્રમ તેના માટે જીવલેણ સાબિત થયો હતો. અને તેને કારણે હૃદયરોગનો હુમલો આવતા પૂર્વનું મોત થયું હતું. મૃતક પૂર્વ ત્રણ ભાઈઓ વચ્ચે એકમાત્ર સંતાન હતો. પરિવારના એકમાત્ર લાડકવાયા દીકરાનું આ રીતે અકાળે અને કરૂણ અવસાન થતાં પિતા દિવ્યેશભાઈ સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આશાસ્પદ પુત્રના આકસ્મિક નિકટતમ વિયોગથી હોસ્પીટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ આક્રંદે આસપાસના લોકોની આંખો પણ ભીની કરી દીધી હતી.