રાજકોટ શહેરમાં મેળાની મોજ બાદ રોગચાળો વકર્યો છે અને વિવિધ રોગચાળાના કુલ કેસ નોંધાયા છે.
મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર ડેન્ગ્યુનો એક કેસ, મેલેરિયાનો એક કેસ, ટાઈફોઈડના ત્રણ, તાવના ૬૭૬ કેસ , શરદી ઉધરસના ૭૬૮ કેસ અને ઝાડા ઉલ્ટીના ૨૦૫ કેસ મળી કુલ ૧૬૫૪ કેસ નોંધાયા છે.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં ૯૫,૦૨૦ ઘરમાં પોરાનાશક કામગીરી તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૫૯૦ ઘરમાં ફોગિંગ કરાયું હતું. ડેંગ્યૂ રોગચાળો અટકાયતીના ભાગરૂપે રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળો તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ કે ઉત્પતિ સ્થાનો જોવા મળ્યેથી જગ્યાના માલિક કે ભોગવટો કરનારને જવાબદાર ગણી દંડ વસૂલાયો હતો, બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રી, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે મળીને કુલ ૩૯૩ સ્થળે તપાસ કરાઇ હતી જેમાં ૫૬ કોમર્શિયલ અને ૧૯૬ રહેણાંક સંકુલો મળીને કુલ ૨૫૨ને નોટીસ ફટકારી દંડ વસૂલાત કરાઇ હતી.
પાણીજન્ય રોગચાળો અટકાવવા સર્વેલન્સ અંતર્ગત એક સપ્તાહમાં ૨,૦૬,૮૬૨ માનવ વસ્તીનો સર્વે કરી ૫,૧૫૪ ક્લોરીન ટેબ્લેટ તેમજ ૮૯૮ ઓ.આર.એસ.પેકેટનું વિતરણ કરાયું હતું તેમજ કુલ ૨,૧૨૮ આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.