ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભરતી બોર્ડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજ ચકાસણી) માટે ક્વોલિફાઇડ થયેલા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. બોર્ડ દ્વારા કુલ ૧૨,૭૩૩ જેટલી વિવિધ ખાલી જગ્યાઓ ભરાવા જઈ રહી છે, જેના માટેના પ્રથમ તબક્કાની ચકાસણી પ્રક્રિયા માટે કુલ ૧૮,૩૨૨ આશાસ્પદ ઉમેદવારોને ક્વોલિફાઇડ જાહેર કરવામાં આવ્યા છે.
ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષાના પાર્ટ-A અને પાર્ટ-B માં અલગ-અલગ ૪૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા તમામ ઉમેદવારોને આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, ૪૦ ટકા ગુણ મેળવનાર તમામ માજી સૈનિક ઉમેદવારોનો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદીમાં સમાવેશ કરાયો છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની સામે સાધારણ અને માજી સૈનિક કેટેગરીમાં બે ગણા તથા અનામત કેટેગરીમાં એક ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો આગામી દિવસોમાં જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પણ પાછળથી ચકાસણી માટે તક આપવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની આ યાદી આખરી કરતી વખતે માત્ર લેખિત પરીક્ષાના ગુણ જ નહીં, પરંતુ નિયમ મુજબના વધારાના ગુણ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં રમતગમત, વિધવા હોવાના ગુણ, NCC 'C' સર્ટિફિકેટ તેમજ રક્ષાશક્તિ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને વધારાના માર્ક્સ આપવામાં આવ્યા છે. જોકે, દસ્તાવેજ ચકાસણી વખતે જો કોઈ ઉમેદવાર આ વધારાના ગુણ માટેનું મૂળ સર્ટિફિકેટ રજૂ કરવામાં અસમર્થ રહેશે, તો તેના એ વધારાના ગુણ તુરંત જ રદ ગણવામાં આવશે.
ભરતી બોર્ડે ઉમેદવારો માટે એક કડક ચેતવણી પણ જારી કરી છે. જો તપાસ કે ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર ગેરલાયક ઠરશે અથવા તો કોઈ યાંત્રિક કે ક્લેરિકલ ભૂલના કારણે લાયક ગણાઈ ગયો હોવાનું ધ્યાન પર આવશે, તો તેની ઉમેદવારી તુરંત જ રદ કરાશે. આ ઉપરાંત, લેખિત પરીક્ષા દરમિયાનના CCTV ફૂટેજનું રેકોર્ડિંગ પણ અત્યારે ચકાસાઈ રહ્યું છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ આચરતો કે શંકાસ્પદ જણાશે, તો તેની સામે આકરી કાનૂની અને વહીવટી કાર્યવાહી કરીને ઉમેદવારી રદ કરી દેવામાં આવશે.
છેલ્લે, ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને સ્પષ્ટતા કરી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આ યાદીમાં નામ હોવું એ ફાઇનલ નોકરીની ગેરંટી કે પસંદગી નથી. માત્ર મૂળ પ્રમાણપત્રો અને કાગળોની સફળ ચકાસણી પૂર્ણ થયા બાદ જ નિયમો અનુસાર આખરી મેરિટ અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
કટ-ઓફ અને ક્વોલિફાઈડ ઉમેદવારોની વિગત
વિવિધ કેટેગરી મુજબ જાહેર કરાયેલા કટ-ઓફ ગુણ અને ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી અનુસાર, જનરલ કેટેગરીમાં પુરુષ કટ-ઓફ ૧૨૫.૦૦ અને મહિલા કટ-ઓફ ૧૦૪.૭૫ સાથે સૌથી વધુ ૧૦,૯૦૧ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. EWS કેટેગરીમાં પુરુષ કટ-ઓફ ૧૧૪.૫૦, મહિલા કટ-ઓફ ૮૦.૫૦ અને ૧,૩૦૧ ઉમેદવારો સફળ રહ્યા છે. SEBC કેટેગરીમાં પુરુષ માટે ૧૧૯.૨૫, મહિલા માટે ૯૮.૫૦ કટ-ઓફ સાથે ૩,૨૭૦ ઉમેદવારો તથા એસસી (SC) કેટેગરીમાં પુરુષ કટ-ઓફ ૧૧૩.૭૫ અને મહિલા કટ-ઓફ ૯૪.૫૦ સાથે ૮૮૬ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. આ ઉપરાંત, એસટી (ST) કેટેગરીમાં પુરુષ કટ-ઓફ ૯૫.૭૫ અને મહિલા કટ-ઓફ ૮૪.૫૦ સાથે ૧,૯૨૩ ઉમેદવારો પસંદ પામ્યા છે. આમ, તમામ કેટેગરી મળીને કુલ ૧૮,૨૮૧ ઉમેદવારો સફળતાપૂર્વક ક્વોલિફાઈ થયા છે.