રાજકોટ શહેરમાં આત્મહત્યાના વધતા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આ ગંભીર સામાજિક સમસ્યાના નિવારણ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હતાશા, માનસિક તણાવ અને વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલા લોકોને સમયસર માર્ગદર્શન અને હૂંફ મળી રહે તેવા આશયથી પોલીસ કમિશનર કચેરી ખાતે ‘જીવન આસ્થા કેન્દ્ર’ નામની 24 x 7 આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન પર અનુભવી કાઉન્સેલર અને તાલીમબદ્ધ પોલીસ કર્મીઓની ટીમ તહેનાત રહેશે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં આત્મહત્યાનો સરેરાશ દર પ્રતિ એક લાખની વસ્તીએ 12.4 છે, જ્યારે રાજકોટ શહેરમાં આ દર 39.3 નોંધાયો છે. દેશનાં 53 મુખ્ય શહેરોની યાદીમાં આત્મહત્યાના દરની દૃષ્ટિએ રાજકોટ બીજા ક્રમે હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. રાજકોટમાં વર્ષ દરમિયાન 546 જેટલા બનાવો નોંધાયા હોવાનું પણ જણાવાયું છે.
આ સ્થિતિને ધ્યાને લઇ ‘જીવન આસ્થા કેન્દ્ર’ નામની 24 x 7 આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે હેલ્પલાઇન કેન્દ્રનું ઉદ્ઘાટન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ હેલ્પલાઇનનો નંબર 9712347744 છે, જે દિવસ-રાત 24 કલાક કાર્યરત રહેશે. કોઈ વ્યક્તિ માનસિક તણાવ, હતાશા કે નિરાશાની સ્થિતિમાં હોય ત્યારે આ નંબર પર સંપર્ક કરી પોતાની વાત રજૂ કરી શકશે. ફોન કરનારની વાત શાંતિપૂર્વક સાંભળીને નિષ્ણાત કાઉન્સેલર અને તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ દ્વારા માનસિક સધિયારો અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ હેલ્પલાઇનની ખાસિયત એ છે કે સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. એટલું જ નહીં, કોઈ વ્યક્તિ ગંભીર પરિસ્થિતિમાં હોવાનું જણાય અને તેને તાત્કાલિક મદદની જરૂર હોય તો તેનું લોકેશન મેળવી નજીકની પોલીસ ટીમ અથવા પીસીઆર વાનને સ્થળ પર મોકલી મદદ પહોંચાડવામાં આવશે.
‘જીવન આસ્થા કેન્દ્ર અંગે ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્રના ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ એક યુવકની જિંદગી બચી ગઈ છે. ચિંતામાં રહેલ યુવાને હેલ્પલાઇન થકી જીવન આસ્થા કેન્દ્રનો સંપર્ક કરતાં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું અને જીવનની રાહ અપાઈ હતી.
આ ઉદઘાટન સમયે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સાથે શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના શહેરના અગ્રણીએ લોકો તેમજ કલેકટર ડો.ઓમ પ્રકાશ, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
સ્યુસાઇડ કેપીટલ રાજકોટમાં દર વર્ષે સરેરાશ ૫૪૬ આપઘાત
- વર્ષ ૨૦૨૨માં ૩૪૨ પુરુષ અને ૨૦૮ મહિલા સહિત કુલ ૫૫૦ના મોત
- વર્ષ ૨૦૨૩માં ૩૪૭ પુરુષ અને ૧૯૦ મહિલા સહિત કુલ ૫૩૭ના મોત.
- વર્ષ ૨૦૨૪માં ૩૬૫ પુરુષ અને ૧૮૧ મહિલા સહિત કુલ ૫૪૬ ના મોત.
- વર્ષ ૨૦૨૫માં ૩૪૪ પુરુષ અને ૧૫૫ મહિલા સહિત કુલ ૪૯૯ ના મોત.