BREAKING NEWS

બંગાળની ખાડીમાં 'અકવાન' મહા વાવાઝોડામાં પરિવર્તિત: શુક્રવારે આંધ્ર અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના

  • November 18, 2026 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ભીષણ ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આગામી ૨૦ નવેમ્બર ૨૦૨૬ ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક અને વરસાદી ઝાપટા ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આગામી ૧૯ નવેમ્બરથી જ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને ઘરની બહાર ન નીકળવા અને લોકડાઉન જેવી સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.


તટીય વિસ્તારોમાં ખતરો અને તોફાની મોજા ઉછળવાની ચેતવણી

આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી ૭૧૦ કિલોમીટર અને પુરીથી ૭૭૦ કિલોમીટર દૂર સ્થિત હતું. ૧૯ અને ૨૦ નવેમ્બરે તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, ગંજમ, ખુર્દા અને પુરી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ૦.૫ થી ૧.૨ મીટર ઊંચા તોફાની મોજા ઉછળવાને કારણે ભારે જળબંબાકાર થવાની આશંકા છે. સંભવિત ખતરાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.


ઝારખંડ, પૂર્વોત્તર રાજ્યો તેમજ ઉત્તર ભારતમાં હવામાનનો પલટો

આ ચક્રવાતની અસર માત્ર દરિયાકાંઠે જ નહીં, પરંતુ અન્ય રાજ્યો પર પણ વર્તાશે. આગામી ૨૦ અને ૨૧ નવેમ્બરે ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ સાથે ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં હવામાન બદલાતા IMD એ ૧૯ થી ૨૨ નવેમ્બર દરમિયાન દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની ચેતવણી આપી છે, જેના કારણે સવારના સમયે વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહેશે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ૨૧ અને ૨૨ નવેમ્બરે હળવાથી છૂટાછવાયા વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


મધ્યપ્રદેશમાં પણ દેખાશે 'અકવાન'ની અસર: ભારે વરસાદ અને આંધીનું એલર્ટ

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા 'અકવાન' વાવાઝોડાની અસર મધ્યપ્રદેશ રાજ્યમાં પણ સ્પષ્ટપણે જોવા મળશે. આ સંદર્ભે હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ભોપાલ દ્વારા આંધી અને વરસાદનું સત્તાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, આગામી બે દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, ત્યારબાદ તેમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. IMD ની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની સૌથી વધુ અસર આગામી ૨૧ નવેમ્બરે જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના બાલાઘાટ અને ડિન્ડોરી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન ચાર ઇંચ સુધીનો વરસાદ થવાની સાથે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યમાં ૨૦ અને ૨૧ નવેમ્બરે જબલપુર, રીવા, શહડોલ, નર્મદાપુરમ અને ઇન્દોર સંભાગમાં પણ આંધી-વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application