વાહનોમાં આંખો આંજતી વ્હાઇટ એલઇડી લાઈટના કારણે વાહન ચાલકોને વાહન હંકારવું મુશ્કેલ બને છે, વધુ પડતી ફોગ હેડ લાઈટથી રાત્રીના રોડ ઉપર વધુ પડતો પ્રકાશ ફેંકવાની લ્હાયમાં સામેથી આવતા વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, એમ છતાં સરકાર દ્વારા આવી વ્હાઇટ એલઇડી લાઈટ ફિટ કરનારા વાહન ચાલકો અને તેનું વેચાણ કરતા દુકાનદારો સામે ઉદાહરણ રૂપ કાર્યવાહી કરવામાં ન આવતા નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આવો જ એક જીવલેણ અકસ્માતનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.
ગોંડલ રોડ પર ડી માર્ટ પાસે રાત્રીના સમયે સામેથી આવતા વાહનની વ્હાઇટ હેડલાઇટના કારણે બાઈક ચાલક યુવકની આંખો અંજાઈ જવાથી બાઈક વીજપોલ સાથે અથડાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડાવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આધારસ્થંભ પુત્રના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ મવડી રોડ નવલનગર-૧માં રહેતાં પ્રિયેશભાઇ વિપુલભાઇ ગજ્જર (ઉ.વ.૨૬) ના યુવક રાત્રીના બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે ગોંડલ રોડ ડી માર્ટ નજીક બાઇક વીજપોલ સાથે અથડાતા રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઇએ ૧૦૮ને જાણ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર પ્રિયેશ એક બહેનથી મોટો અને અપરિણીત હતો. તેના પિતા વિપુલભાઇના જણાવ્યા મુજબ અમારે ઢેબર રોડ ગુરૂકુળ પાસે ગજ્જર મોટર ગેરેજ છે. મારી સાથે દિકરો પ્રિયેશ આ ગેરેજમાં કામ કરતો હતો. રાત્રે જમવા ટાઈમે પત્નિ રાજેશ્રીબેને પ્રિયેશને ફોન કર્યો હતો. ફોન ૧૦૮ના તબીબે રિસીવ કર્યો હતો સિવિલ હોસ્પિટલે લઇ જઈ રહ્યા નું કીધું હતું. આથી અમે પણ હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યાં દાખલ કરી સારવાર ચાલુ હતી. ત્યાં તેને પૂછતાં સામેથી કોઈ વાહનની હેડલાઇટથી આંખ અંજાઇ જતાં બાઇક થાંભલામાં અથડાઇ ગયાનું કહ્યું હતું. સવારે તેણે દમ તોડી દીધો હતો.
યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.