BREAKING NEWS

રાજકોટની સૌથી મોટી હાંડા ગેંગ સામે ગુજસીટોક, ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા સહિત 15 સામે ગુનો, 13ની ધરપકડ; 2ની શોધખોળ

  • November 18, 2026 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા સંગઠિત ગુનાખોરીને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GCOOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા સહિત કુલ ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ સઘનપણે ચાલુ છે. આ કાર્યવાહીથી રાજકોટના ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રૈયાધાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં સંગઠિત ગુનાઓ આચરતી કુખ્યાત હાંડા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગના મુખ્યસૂત્રધાર ભૌતિક ઉર્ફે યસ ઉર્ફે હાંડો પરેશ ડાભીના નેતૃત્વમાં આ ટોળી સક્રિય હતી. આ ગેંગના સભ્યો દ્વારા ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ઘરફોડ ચોરી, વાહનોમાં આગચંપી કરવી, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓ આચરીને વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ ટોળીના કુલ ૧૫ સભ્યો સામે છેલ્લા ૧૦ વર્ષમાં ૮૭ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૫૦ ગુનાઓ ગુજસીટોકની વ્યાખ્યા હેઠળ ધ્યાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


15 પૈકી ૧૨ આરોપીઓ ઝડપાયા, એક જેલમાં

પોલીસે આ કાર્યવાહી દરમિયાન હાંડા ગેંગના પકડાયેલા આરોપીઓમાં રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા, મયુર સુનિલ ધામેલિયા, વિપુલ પ્રવીણ બલતરિયા, હિતેશ સુનિલ ધામેલિયા, આકાશ જીવણ વારગિયા અને મીત ખંભરામ સહિતના મુખ્ય સભ્યોને ઝડપી લીધા છે. કુલ ૧૫ આરોપીઓ પૈકી ૧૨ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક આરોપી પહેલેથી જ જેલમાં છે અને બાકીના બે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 10 વર્ષમાં આરોપીઓ વિરૂદ્ધ 87 ગુના નોંધાયેલા છે.


હજુ બે નવી ગેંગ પોલીસના રડાર પર

રાજકોટ પોલીસ દ્વારા સંગઠિત અપરાધો સામે ચલાવવામાં આવી રહેલી આક્રમક ઝુંબેશના ભાગરૂપે દોઢ વર્ષમાં 10 કુખ્યાત ગેંગો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉની કાર્યવાહીઓમાં આશરે ૧૨૮ જેટલા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસની આકરી નજર હવે અન્ય ગુનેગારો પર પણ છે, અને હાલમાં વધુ બે સંગઠિત ગેંગો પોલીસના ધ્યાને આવી છે જેના વિરુદ્ધ આગામી દિવસોમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application