BREAKING NEWS

રાજકોટ રેલવેના અધધ...774 કર્મચારીઓ BPLની યાદીમાં, ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ ગરીબોના રેશનકાર્ડના લિસ્ટમાં!, વાંચો વિગતવાર રિપોર્ટ

  • November 18, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે ડિવિઝનમાં ગરીબો માટેની સરકારી અનાજ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સેંકડો રેલવે કર્મચારીઓનાં નામ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેલવે બોર્ડે કરાવેલી તપાસમાં રાજકોટ ડિવિઝનના કર્મચારીઓનાં નામ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના રેશનકાર્ડધારકોની યાદી સાથે મળ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં સામાન્ય કર્મચારીઓ ઉપરાંત ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટેની યોજનામાં સરકારી નોકરી કરતા કર્મચારીઓનાં નામ કેવી રીતે આવ્યાં તે મોટો સવાલ ઊભો થયો છે.


રેલવેના દસ્તાવેજમાં રાજકોટ ડિવિઝનના કુલ ૭૭૪ કર્મચારીઓનાં નામ દર્શાવાયાં છે. ડિવિઝનમાં અંદાજે ૪૫૦૦ કર્મચારીઓ છે. આ હિસાબે લગભગ ૧૭ ટકા કર્મચારીઓનાં નામ રેશનકાર્ડધારકોની યાદી સાથે મળ્યાં છે. રેલવેમાં સૌથી નીચલા પગારધોરણના કર્મચારીને પણ ગરીબી રેખા નીચેના પરિવાર માટે નિર્ધારિત આવકમર્યાદા કરતાં વધુ પગાર મળતો હોવા છતાં આટલી મોટી સંખ્યામાં નામ મળવાં ગંભીર બાબત છે.


કેન્દ્રીય રેલવે બોર્ડે ૧૧ નવેમ્બરે તમામ ઝોનલ રેલવેને પત્ર લખીને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા દેશભરમાં હાથ ધરાયેલી ચકાસણીમાં રેલવેના ૧,૮૨,૨૮૩ કર્મચારીઓનાં નામ રેશનકાર્ડધારકો સાથે મળ્યાં હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગનાં રાજ્યોમાં સરકારી કર્મચારીઓ આવી યોજનાના લાભ મેળવવા માટે ગેરલાયક હોય છે.


પશ્ચિમ રેલવેના મુંબઈ મુખ્યાલયે ૧૬ નવેમ્બરે રાજકોટ સહિતના ડિવિઝનોને પત્ર લખીને કાર્યવાહી કરવા સૂચના આપી છે. તમામ ડિવિઝનોએ ૧૫ ડિસેમ્બર સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલવાનો રહેશે.


રેલવે બોર્ડે કર્મચારીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મળતા લાભ ન લેવા અને આવા રેશનકાર્ડ પરત સોંપવા સૂચવ્યું છે. કર્મચારીઓએ ખરેખર સબસિડીવાળું અનાજ મેળવ્યું છે કે નહીં તેની નમૂનારૂપ તપાસ કરવાનો પણ આદેશ અપાયો છે. જેમણે લાભ લીધો નથી તેમની પાસેથી તે અંગેનું લેખિત ઘોષણાપત્ર મેળવવાનું રહેશે. સરકારી કર્મચારીઓનાં નામ આ યોજનામાં કેવી રીતે નોંધાયાં અને કેટલાં વર્ષથી નોંધાયેલાં છે તેની તપાસ જરૂરી બની છે. ખરેખર લાભ લીધો હોવાનું બહાર આવે તો જવાબદારી કોની નક્કી થશે અને અત્યાર સુધી અપાયેલું અનાજ કે સબસિડી વસૂલવામાં આવશે કે નહીં તે પણ સવાલ છે.


ગરીબોના રેશનકાર્ડની યાદીમાં પાંચ ગેઝેટેડ અધિકારીઓ!

રાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં પાંચ ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ છે. તેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર સંજીવકુમાર, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કોઓર્ડિનેશન) નરેન્દ્રસિંહ, મેડિકલ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર નોનબરસન એ., સિગ્નલ અને ટેલિકોમ વિભાગના આસિસ્ટન્ટ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર દિલીપ જૈન તથા એકાઉન્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર દેવીસિંહનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ અનુક્રમે પગાર લેવલ ૮, ૧૩, ૧૦, ૮ અને ૯માં છે. આટલા ઊંચા પગારધોરણ ધરાવતા અધિકારીઓનાં નામ ગરીબો માટેની રેશનકાર્ડ યોજનામાં મળવાં આશ્ચર્યજનક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application