BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.કમિશનર વિરૂદ્ધ શાસકો: 8 દરખાસ્ત પરત, બે નામંજૂર, લાયન સફારી પાર્ક દિવાળીએ પણ ખુલો નહીં મુકાય; કેઇન્સને જિમ સંચાલન સોંપવાનું નામંજૂર

  • September 09, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે ૧૨:૧૫ કલાકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં રહેલી કુલ ૨૫માંથી આઠ દરખાસ્તો મ્યુનિ.કમિશનરને પરત મોકલવામાં આવી હતી, જ્યારે બે દરખાસ્તો નામંજૂર કરાઇ હતી. મંજૂર કરાયેલી અન્ય ૧૦ દરખાસ્તમાંથી અમુક દરખાસ્તો વિશેષ માહિતી મોકલવાની શરતે મંજૂર કરાઇ હતી. ખાસ કરીને રાજકોટના લાયન સફારી પાર્ક પ્રોજેક્ટમાં રૂ.૭.૯૪ કરોડનો વધારોનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત મ્યુનિ.કમિશનરને પરત મોકલવા નિર્ણય કરાયો હતો જેથી હવે દિવાળીએ પણ લાયન સફારી પાર્ક ખુલો મુકાય તેવી શક્યતા નહિવત રહેશે.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે, લાયન સફારી પાર્કમાં રૂ.૭.૯૪ કરોડનો ખર્ચ વધવા બદલ જવાબદાર અધિકારીઓનો ખુલાસો પુછવા કમિશનરને તાકિદ કરવામાં આવી છે. મૂળભૂત રૂ.૧૬ કરોડનો ખર્ચ હતો અને ૨૦ હજાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં પ્રોજેક્ટ હતો હવે તેમાં એકાએક ૧૦ હજાર ચોરસ મીટર જમીન વિસ્તારનો ઉમેરો કરાયો અને કુલ ૩૦ હજાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં પ્રોજેક્ટ થયો તેમજ ખર્ચમાં ૭.૯૪ કરોડનો વધારો થયો જે આશ્ચર્યજનક જણાતા આ દરખાસ્ત પરત મોકલાઇ છે.


કઇ દરખાસ્તમાં શું નિર્ણય કરાયો ?

૧.રેસકોર્સ સંકુલમાં ૧.૧૮ કરોડના ખર્ચે વિવિધ મેદાનો તથા સ્નાનાગારો ખાતે હાઉસ કીપિંગ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત નામંજૂર (સંપૂર્ણ વિગતો સહ પૂનઃ દરખાસ્ત રજૂ કરવા તાકિદ)

૨. કાલાવડ રોડ અને પેડક રોડના મ્યુનિસિપલ જીમનું સંચાલન કેઇન્સ જીમને રૂ.૬.૫૦ લાખમાં સોંપવાનું નામંજૂર (એસ્ટિમેટ પ્રાઈસ રૂ.૮ લાખ સાથે રિટેન્ડર કરવા આદેશ)

૩. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટ સ્ટ્રીટ લાઇટ નાખવાની દરખાસ્ત પરત કરાઇ, વધુ વિગતો સાથે પુનઃ રજૂ કરવા તાકિદ

૪. ૨.૪૪ કરોડના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ અને આંગણવાડી બનાવવાની દરખાસ્ત પરત કરાઇ, વધુ વિગતો સાથે પૂનઃ દરખાસ્ત રજૂ કરવા તાકિદ

૫. લાયન સફારી પાર્કમાં વધુ ૭.૯૪ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત પરત, અધિકારીઓને ખુલાસો પૂછવા તાકિદ

૬. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્ટીક ખરીદીનો રૂ.૯ લાખનો ખર્ચ મંજૂર કરવા ની દરખાસ્ત પરત, વિગતો સાથે પૂનઃ દરખાસ્ત રજૂ કરવી

૭. રેસકોર્સમાં ૧.૧૨ કરોડના ખર્ચે પાર્ટ ટાઇમ સફાઈ કામદારો પાસેથી સફાઈ કરાવવાનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પરત મોકલાઇ,


વધુ વિગતો સાથે રજૂ કરવા તાકિદ

૮. લાઇબ્રેરીઓ માટે ૬૬ લાખના ખર્ચે હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પરત, વધુ વિગતો સાથે રજૂ કરવા તાકિદ

૯. એસી અને વોટર કુલેર ખરીદી અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ૬૬ લાખમાં આપવાની દરખાસ્ત પરત મોકલાઇ, વધુ વિગતો સાથે રજૂ કરવા તાકિદ

૧૦. ૫.૭૨ કરોડના ખર્ચે સેન્ટ્રલ લાઈટિંગનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પરત મોકલાઇ,

વધુ વિગતો સાથે પૂનઃ દરખાસ્ત રજૂ કરવા તાકિદ

કુલ મંજૂર થયેલ કુલ ખર્ચ રૂ.૯,૯૫,૯૦,૯૮૦


સ્ટેન્ડિંગની દરખાસ્તોમાં પૂરી વિગતો લખો, પૂર્વ મંજૂરી મેળવી ખર્ચ કરો: ઠરાવ પસાર


રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં સેક્રેટરીએ ચેરમેનને પાઠવેલા પત્રમાં સ્થાથી સમિતિમાં નિર્ણય અર્થે રજુ કરવામાં આવતી દરખાસ્તમાં જરૂરી વિગતોનો ઉલ્લેખ કરવા તેમજ સ્થાયી સમિતિની પુર્વમંજુરી મેળવ્યા બાદ જ વિશેષ રકમનો ખર્ચ કરવા બાબત જણાવ્યું હતું જે અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

દરખાસ્ત સ્વરૂપે રજૂ થયેલા પત્રમાં જણાવ્યા મુજબ, કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં નિર્ણય અર્થે રજુ કરવામાં આવતી દરખાસ્તમાં વિગતો અપુરતી હોવાના કારણે સંબંધિત દરખાસ્ત પરત્વે નિર્ણય પ્રક્રિયામાં વિલંબ થતો હોવા અંગેની તેમજ સ્થાયી સમિતિ દ્વારા જે કામ માટે જેટલી રકમની ખર્ચ મંજુરી આપવામાં આવેલ હોય તે રકમથી વિશેષ રકમનો ખર્ચ વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિની પુર્વમંજુરી મેળવ્યા વગર કરવામાં આવતો હોવા અંગેની સ્થાયી સમિતિના સભ્યોની રજુઆત છે.

ઉક્ત વિગતની રજુઆત ધ્યાને લેતા, કમિશનરશ્રી દ્વારા હવે પછી સ્થાયી સમિતિમાં નિર્ણય અર્થે રજુ કરવામાં આવતી વિકાસ કામો અંગેની દરખાસ્તમાં સંબંધિત કામ અન્વયે ઉપયોગમાં લેવામાં આવનાર સિમેન્ટ, સ્ટીલ, કપચી, રેતી, મેનપાવરની સંખ્યા, મહેનતાણુ, સુપરવિઝન ખર્ચ સહિતની આઇટમનુ વિગતવાર વિશ્લેષ્ણ, મહતમ અંદાજિત ખર્ચ સહિતની વિગતો આ ઉપરાંત હાઉસકીપીંગ, સફાઇ કામગીરી, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ અંગેની દરખાસ્તમાં મેનપાવરની સંખ્યા, વિગતો, મહેનતાણુ, સુપરવિઝન ખર્ચ, કામગીરીના સમયગાળાનુ મહતમ અંદાજિત ખર્ચ સહિતની વિગતોનો ઉલ્લેખ થાય તે અંગે તેમજ સ્થાયી સમિતિ દ્વારા જે કામ માટે જેટલી રકમની ખર્ચ મંજુરી મળેલ હોય તે રકમથી વિશેષ રકમનો ખર્ચ કરતા પહેલા સ્થાયી સમિતિની પુર્વમંજુરી મેળવવા અંગે દરખાસ્ત રજુ કરવામાં આવે તથા સ્થાયી સમિતિની પુર્વમંજુરી મેળવ્યા સિવાય વિશેષ રકમના કરવામાં આવેલ ખર્ચ માટે સંબંધિત અધિકારીની જવાબદારી નિયત કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા અર્થે સ્થાયી સમિતિમાં

દરખાસ્ત રજુ કરવા જણાવેલ છે. ઉપરોક્ત વિગતોએ જરૂરી ઠરાવ અર્થે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરેલ છે.

આ મુજબની દરખાસ્ત મંજૂર થતા હવે કમિશનર બ્રાન્ચ સહિતની વહીવટી પાંખે આ મુજબ કામગીરી કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News