BREAKING NEWS

સોમનાથ મંદિર ડમરૂના નાદથી ગુંજી ઉઠી, દાદાની ભવ્ય પાલખીયાત્રા યોજાઈ, ભાવિકો ઉમટ્યા

  • August 17, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર ગુજરાતમાં આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ધામ ખાતે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તિનો મહાસાગર છલકાઈ ઉઠ્યો હતો. વહેલી સવારથી જ શંખધ્વનિ, ડમરુંના નાદ તેમજ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.

દાદાની નગરચર્યા: પાલખીયાત્રામાં ઉમટ્યું જનમેદની
સોમનાથ મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવની ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદા જ્યારે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ હાથમાં ધજા, મુખ પર મહાદેવનું નામ અને હૃદયમાં ગાઢ ભક્તિભાવ સાથે પાલખીયાત્રાનું સ્વાગત કર્યું હતું. સોમનાથ પહોંચેલા ભાવિકો માટે આ દિવ્ય પળ અવિસ્મરણીય બની રહી હતી.

અવિરત ફરાળી ભંડારા: રાજકીય આગેવાનો અને સંસ્થાઓની સેવા

શ્રાવણના સોમવારે ઉપવાસ રાખીને સોમનાથ પહોંચતા ભક્તો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા ઠેર-ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી પરસોતમ સોલંકી, હીરા સોલંકી, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ સેવા કાર્યમાં યોગદાન આપ્યું છે. ભંડારામાં શિરો, સૂકી ભાજી, ફળ, વેફર્સ અને થાબડી સહિતના ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. પગપાળા, વાહનો અને કાવડ યાત્રા કરીને આવતા ભક્તો માટે આ સેવા અત્યંત દયાળુ અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

1000થી વધુ સુરક્ષા કર્મચારીઓનો કાફલો તહેનાત

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સુરક્ષા જાળવવા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગીર સોમનાથ હેડક્વાર્ટર ડીવાયએસપી ચેતન ખટાણાના જણાવ્યા મુજબ, મંદિર અને આસપાસના વિસ્તારોમાં 2 DYSP, 16 PI, 25 PSI અને 450 લોકલ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત SRPની કંપની, 350 GRD-SRD જવાનો તથા હોમગાર્ડ મળીને કુલ 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

ડ્રોન, QRT અને માઉન્ટેડ પોલીસની બાજ નજર
મંદિર પરિસર, પ્રવેશ-નિકાસ માર્ગો અને પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાને વધુ મજબૂત કરવા BDD, LCB, SOG, ક્વાઇક રિસ્પોન્સ ટીમ (QRT) અને માઉન્ટેડ પોલીસને મેદાનમાં ઉતારવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો અને ભીડ પર ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application