જામનગર: લાખોટા તળાવમાં માછલા-કાચબાના મોત, પાણીના નમૂના લેવાયા
દોડધામ: જળચર જીવના મોટી સંખ્યામાં મોતથી જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ, મનપા અને જીપીસીબીની ટીમ દોડી ગઇ
પ્રદૂષણ, ઓકસીજનના પ્રમાણમાં ઘટાડો કે અન્ય કોઇ કારણ જવાબદાર તે અંગે તપાસનો ધમધમાટ, પાણીના રિપોર્ટ પર મીટ
જામનગરના લાખેણા લાખોટા તળાવમાં માછલા અને કાચબાના મોતથી દોડધામ મચી ગઇ છે. જળચર જીવના મોટી સંખ્યામાં મોતથી જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. બનાવના પગલે મનપા અને જીપીસીબીની ટીમ દોડી ગઇ હતી અને પાણીના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલ્યા છે. જળચર જીવના મૃત્યુ પાછળ પ્રદૂષણ, ઓકસીજનના પ્રમાણમાં ઘટાડો કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે અંગે તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે. બીજી બાજુ પાણીના રિપોર્ટ પર સૌની મીટ મંડાઇ છે.
જામનગરના શાન સમાન લાખોટા તળાવ પર ગેઇટ નં.૫ સામે મ્યુઝીયમ જવાના ગેઇટની બાજુમાં તળાવની અંદર મોટી સંખ્યામાં માછલા અને ૧૨ જેટલા કાચબાના એકાએક મોતથી દેકારો બોલી ગયો છે. આ બનાવથી મનપાના તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. બીજી બાજુ જળચર જીવના મોતથી પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. જળચર જીવના મોતના પગલે મહાનગરપાલીકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તળાવ પર દોડી ગઇ હતી અને પાણીના નમૂના લઇ ગાંધીનગર લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે.
જળચર જીવના મોત તળાવમાં પ્રદૂષણ, ઓકસીજનના પ્રમાણમાં ઘટાડો કે અન્ય કોઇ કારણોસરથી થયા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ મનપાના અધિકારીઓના જણાવ્યાનુસાર તળાવની પાળ પર માછલીઓને નાખવા માટે લોટ, બીસ્કીટ સહીતની વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં અમુક લોક ખીસ્સામાં સંતાડીને આ પ્રકારની વસ્તુઓ લઇ જઇ નાખતા હોવાથી જળચર જીવના મૃત્યુ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. કારણ કે, જળચર જીવો પાણીમાં પોતાનો ખોરાક સ્વયં શોધી લે છે. આથી લોકોને આ પ્રકારની વસ્તુ તળાવમાં ન નાખવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ તળાવમાં પાણીનુ સ્તર ઘટતા માછલા, કાચબા સહીતના જળચર જીવના મૃત્યુના બનાવ બની ચૂકયા છે. આમ છતાં તકેદારી રાખવામાં આવતી નથી. તળાવની પાળના દરેક ગેઇટ પર સીકયુરીટી કર્મચારી રાખવામાં આવ્યા છે. આમ છતાં આ પ્રકારની વસ્તુઓ લઇ વ્યકિતઓ પહોંચી જતા અનેક સવાલ ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ મહીનામાં જળચર જીવના મૃત્યુથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે કયાં કારણોસર જળચર જીવોના મૃત્યુ થયા તે માટે પાણીના રિપોર્ટ પર મીટ મંડાઇ છે.