કૃષિપ્રધાન ભારતના ખેડૂતો દેવાના કેટલા ગંભીર બોજ હેઠળ જીવી રહ્યા છે તેનો ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પરથી થયો છે. પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા મોટા રાજ્યો કરતાં પણ આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કૃષિ દેવાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, એકલા ગુજરાતના ખેડૂતો પર જ રૂ. 1,68,460.93 કરોડનું જંગી લોનનું ભારણ બાકી બોલે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે રાજ્યનો ખેડૂત દિન-પ્રતિદિન વધુ ને વધુ દેવાદાર બની રહ્યો છે અને આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યો છે.
ગુજરાતમાં ખેડૂતોની ટૂંકા ગાળાની 'પાક લોન'નો બોજ રૂ. 1,05,097.25 કરોડ પર પહોંચી ગયો છે. તેની સરખામણીએ બિહારમાં રૂ. 44,001 કરોડ અને પશ્ચિમ બંગાળમાં રૂ. 38,248 કરોડનું પાક ધિરાણ છે, જે બંને રાજ્યોના સંયુક્ત પાક ધિરાણ કરતાં પણ ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ ઘણું વધારે છે. આ ઉપરાંત કર્ણાટક, કેરળ, બિહાર, ઓડિશા, ગોવા, પંજાબ, દિલ્હી અને તેલંગાણા સહિતના રાજ્યો કરતાં પણ ગુજરાતની પાક લોન ઘણી વધુ નોંધાઈ છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતના ખેડૂતોને દર સીઝનમાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને વીજળી જેવા રોજિંદા ખર્ચ માટે પણ સંપૂર્ણપણે બૅન્ક લોન પર જ નિર્ભર રહેવું પડે છે.
ખેતીના આધુનિકીકરણ, ટ્રેક્ટર ખરીદી અને ટપક સિંચાઈ જેવા લાંબા ગાળાના રોકાણો માટે લેવાતી 'ટર્મ લોન' પેટે પણ ગુજરાતના ખેડૂતોના રૂ. 63,363.68 કરોડ બાકી છે. બૅન્કો લોન આપીને વ્યાજની કમાણીથી આર્થિક રીતે સધ્ધર થઈ રહી છે, પરંતુ તેની સામે ગુજરાતના ખેડૂતો આજે દેવાતળે દબાઈને દેવાળિયા બની રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના મોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂત દેવાના આ ચક્રવ્યૂહમાં વધુ ને વધુ ઊંડો ફસાતો જાય છે.
ગુજરાતમાં આજે ખેતી કરવી અત્યંત મોંઘી બની ગઈ છે. ખાતરથી માંડીને જંતુનાશક દવાઓના ભાવ જ નહીં, પરંતુ ખેતમજૂરીના દરો પણ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત બદલાયેલા હવામાન, અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે, જેના પરિણામે ખેડૂતોએ ભારે આર્થિક ફટકો વેઠવો પડ્યો છે. ખેતી માટે બેંકમાંથી લોન લીધા પછી એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઉત્પાદન પૂરતું ન મળતાં ખેડૂતો માટે લોનના હપ્તા ભરવા પણ અશક્ય બની જાય છે.
ચાલુ વર્ષે પણ દ્વારકા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે, જેના કારણે ખેત ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિમાં હવે ગુજરાતના ખેડૂતોના માથે દુષ્કાળનો ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. ખેતીમાં પડ્યા પર પાટુ જેવી વિકટ સ્થિતિ સર્જાતાં રાજ્યના ખેડૂતોએ સરકારી સ્તરે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરીને યોગ્ય આર્થિક વળતર કે રાહત પેકેજ આપવાની માંગ બુલંદ બનાવી છે.