BREAKING NEWS

શેરબજારમાં તેજીનું તોફાન: સેન્સેક્સ 1549 પોઇન્ટ ઉછળ્યો, આઈટી કંપનીઓના શેરો ભાગ્યા

  • October 15, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક શેરબજારોમાં ભારે વેચવાલી અને મોંઘવારીની ચિંતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૫૪૯ પોઇન્ટ ઉછળીને 74,200ના સ્તરને પાર કરી ગયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ લગભગ 400 પોઇન્ટની તેજી સાથે 23,000ના સ્તરની નજીક પહોંચ્યો હતો. ખાસ કરીને આઈટી કંપનીઓના શેરોમાં થયેલી જોરદાર ખરીદીએ બજારને મજબૂત ટેકો આપ્યો હતો.


બજારમાં એચસીએલ ટેકનોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિતની અગ્રણી આઈટી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી. આ ખરીદીને કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.5 ટકા સુધી વધ્યો હતો. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 183 પોઇન્ટના ઉછાળા સાથે 72,966 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 48 પોઇન્ટ વધીને 22,671 પર પહોંચ્યો હતો. ત્યારબાદ બજારમાં ખરીદીનો માહોલ વધુ મજબૂત બન્યો હતો.


બજારમાં તેજીનું એક મુખ્ય કારણ મોટી અને મજબૂત કંપનીઓના શેરોમાં થયેલી ખરીદી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોની શરૂઆતને લઈને પણ રોકાણકારોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં એઆઈ સંબંધિત શેરોમાં વધેલી વેચવાલી વચ્ચે રોકાણકારોનો રસ અન્ય ક્ષેત્રોની કંપનીઓ તરફ વળ્યો હોવાની શક્યતા પણ બજારની ચાલને અસર કરી રહી છે.

ભારતીય બજારમાં તેજીથી વિપરીત અમેરિકા અને એશિયાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 8 ટકા સુધી ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ 225 લગભગ 4 ટકા અને અમેરિકાનો નાસ્ડેક આશરે 2 ટકા તૂટ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application