આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેના અતિશય અને આંખ બંધ કરીને ભરોસો કરવાના જોખમો પણ હવે સામે આવવા લાગ્યા છે. વડોદરામાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક મતભેદો ઉકેલવા માટે એક શિક્ષકે એઆઈ ચેટબોટની મદદ લીધી હતી. પરંતુ એઆઈની ખોટી અને અવિશ્વસનીય સલાહોએ સંસ્કારી પરિવારને તૂટવાના આરે લાવી દીધો હતો અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. જોકે, સમયસર કાઉન્સિલિંગ મળવાથી આ ઘર તૂટતા બચી ગયું છે.
મૂળ વડોદરાની પચ્ચીસ વર્ષીય યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં એક ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષક સાથે થયા હતા. લગ્ન પહેલાં મહિલા પણ નોકરી કરતી હતી, પરંતુ લગ્ન બાદ તેણે ઘર સંભાળવાનો નિર્ણય કર્યો હતો અને પરિવારને સમય આપવા માંગતી હતી. બીજી તરફ, પતિ ઈચ્છતો હતો કે પત્ની ફરીથી પોતાની નોકરી શરૂ કરે. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર તકરાર થવા લાગી અને ધીમે-ધીમે વૈવાહિક જીવનમાં કડવાશ ઘોળાવા લાગી. આ પારિવારિક વિવાદનો ઉકેલ લાવવા માટે શિક્ષક પતિએ એઆઈ ચેટબોટનો સહારો લેવાનું શરૂ કર્યું, જેણે સમગ્ર પરિસ્થિતિને વધુ વણસાવી દીધી.
મહિલાના જણાવ્યા અનુસાર, એઆઈ ચેટબોટે પતિને તેમની વચ્ચે થતી દરેક બોલાચાલી અને દલીલોના ઓડિયો અને વિડિયો રેકોર્ડ કરવાનું સૂચન કર્યું હતું. શિક્ષક પતિએ આ સલાહ પર અમલ કરવાનું શરૂ પણ કરી દીધું. આનાથી પત્નીને એવું લાગ્યું કે તેમના પર ભરોસો કરવાના બદલે હવે માત્ર નજર રાખવામાં આવી રહી છે, જેના કારણે સંબંધોમાં વિશ્વાસ ઓછો થઈ ગયો. પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની ગઈ અને અંતે એઆઈએ શિક્ષકને પત્નીથી છૂટાછેડા લેવાની સલાહ આપી દીધી. આ સલાહથી પ્રભાવિત થઈને પતિ લગ્ન સંબંધો ખતમ કરવા માટે જીદ પર અડી ગયો હતો.
ઘર તૂટવાની આરે પહોંચી જતા ગભરાયેલી પત્નીએ મહિલા અને બાળ વિકાસ હસ્તકની 'અભયમ' હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માંગી. હેલ્પલાઈનની કાઉન્સિલિંગ ટીમે તરત જ બંને પક્ષોને બોલાવીને વિસ્તૃત કાઉન્સિલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સિલરોએ શિક્ષકને સમજાવ્યું કે વૈવાહિક જીવનના નિર્ણયો ક્યારેય કોઈ મશીન કે એઆઈની સલાહ પર ન લેવા જોઈએ, પરંતુ આપસી સમજ, ભરોસા અને સંવાદના આધારે લેવા જોઈએ. કાઉન્સિલિંગની આ સકારાત્મક અસર થઈ અને બંનેએ પોતાની ભૂલ સ્વીકારીને પોતાના રિશ્તાને વધુ એક તક આપવાનો અને સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.