શહેરના શીતલ પાર્ક પાસે રહેતા યુવાન સાથે શેરબજારમાં ટ્રેડીંગના નામે રૂ.૪.૧૨ કરોડની માતબર રકમની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા મારફત પરિચયમાં આવેલા નાસિકના શખસે યુવાનને કરોડોનો ચુનો લગાવી દીધો હતો.
150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે હિંમતનગર-૫ માં રહેતા એકાઉન્ટન્ટ મિતેશપરી રાજેશ્વરી ગોસાઈ (ઉ.વ.32) દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાસિકના નરેશ સેવકરામાણી તથા અન્ય બેંક એકાઉન્ટ ધારકોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે જુદી જુદી પેઢીઓના એકાઉન્ટ લખવાનું કામ કરે છે.
વર્ષ 2021 માં તેની પાસે રહેલા રૂપિયાનું રોકાણ કરવા બાબતે રિસર્ચ કરતો હતો તે વખતે સોશિયલ મીડિયા મારફત નરેશસેવક રામાણીનો સંપર્ક થયો હતો બાદમાં આ નરેશે કહ્યું હતું કે, તેની પાસે શેર બજારમાં શેરની ખરીદી વેચાણ કરી શખસે તેમાં રોકાણ પર કોઈ પણ વધારાનો ચાર્જ ચુકવવો નહીં પડે અને તેમાંથી કમિશન આપવાનું તેવી વાત કરી હતી. પરંતુ હાલ તમે ટ્રેડિંગ શીખી રહ્યા છો જેથી હાલ તમારી પાસે કોઈ કમિશન પણ જોતું નથી તેવી વાત કરી નરેશે ઘણી બધી લીંકો આપી હતી અને યુવાન ટ્રેડિંગ શીખતો હતો વર્ષ 2021 થી 2024 સુધીમાં નાની મોટી રકમોનું રોકાણ કરી ટ્રેડિંગ શીખ્યું હતું.
વર્ષ 2024 માં ટ્રેડિંગનો અનુભવ થયા બાદ યુવાને મિત્ર વર્તુળના લોકો પાસેથી રૂપિયા ઉછીના લઇ મોટા પાય ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને આ બાબતે નરેશને પણ વાત કરી હતી. જેથી નરેશે કહ્યું હતું કે તમે હેલો ટ્રેડસ નામની ટ્રેડિંગ સાઈટ છે અને જો તમારે તેમાં રોકાણ કરવું હોય તો તમારે ટ્રેડિંગ કરવા માટે મને એજન્ટ તરીકે કમિશન આપવું પડશે જેથી યુવાને હા કહી હતી. બાદમાં નરેશે લિંક મોકલી હતી અને યુવાને તેમાં લોગીન કરી આઈડી પાસવર્ડ જનરેટ કર્યા હતા. ત્યારબાદ આ લિંકમાં જ રૂપિયા ડિપોઝિટ કરવા માટે વિવિધ બેંક ખાતાની માહિતી તથા ક્યુઆર કોડ મળતો હતો. જેમાં હેલો ટ્રેડ, સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઇઝ, પેસિફાઈ ઇન્ફ્રા,વીસબોડ સોફ્ટવેર, મંકી એન્ટરપ્રાઇઝ, મારુતિ મની, દ્રષ્ટિ મુજબના બેન્ક ખાતાઓની માહિતી મળી હતી અને આ બેંક ખાતાઓમાં યુવાને અલગ અલગ સમયે રૂપિયા જમા કરાવ્યા હતા.
જમા કરાવેલા રૂપિયા આ અંગે એપ્લિકેશનમાં જણાવેલ પોર્ટ મોબાઈલ નંબરમા નરેશના વોટસએપમાં ટ્રાન્સફર કરી આ રકમના સ્ક્રીનશોટ તે મોકલતો હતો અને યુવાનની આઈડીમાં બેલેન્સ બતાવતા હતા. નરેસે કહ્યા મુજબ યુવાન તેને બેંક મારફતે કમિશનના નાણાં તેના ખાતામાં તેમજ ઉપરોક્ત ખાતાઓમાં આપતો હતો. રોકાણ કરેલી રકમ પરત મેળવવી હોય ત્યારે તે જ વેબસાઈટમાં વિથ ડ્રોપના પેજમાં બેંક ખાતાની વિગતો ભરી વીટળોનું ઓપ્શન આપ્યું હતું. યુવાને વર્ષ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ રૂપિયા 6,35,47,843 ની રકમનું રોકાણ કર્યું હતું જેમાં તેને આરોપીએ રૂ.4,23,15,169 પરત આપ્યા હતા.
બાદમાં યુવાને રોકાણ કરેલી રકમ અને તારીખ 2-2-2026 ના નફાની રકમ જે અંદાજિત બે કરોડ હતી. જે વિથ ડ્રો કરવી હોય લિંકમાં વીથ ડ્રોના ઓપ્સન પર જતા એરર આવવા લાગી હતી. આ બાબતે નરેશને ફોન કરતા તેણે કહ્યું હતું કે, હું એક બે દિવસમાં તમારા રૂપિયા વીથડ્રો માટેની વ્યવસ્થા કરી આપીશ. પરંતુ ત્યારબાદ પણ પૈસા વિથડ્રો થયા ન હતા અને નરેશનો સંપર્ક કરતા તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
આમ યુવાન પાસે શેર બજારમાં ટ્રેડિંગના નામે રોકાણ કરાવી તેણે રોકેલી રકમ પૈકી રૂપિયા 2.12 કરોડ અને તેની નફાની રકમ બે કરોડ મળી કુલ રૂપિયા 4,12,33,655 પરત ન આપી છેતરપિંડી કરતા યુવાને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી છે.